માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૨૧ઃ
ને પરભાવ શું–એનો ભેદ લક્ષમાં આવ્યા વગર નિજસ્વરૂપનો ખરો મહિમા આવે નહિ,
અને યથાર્થ મહિમા આવ્યા વગર તેમાં એકાગ્રતા થાય નહિ. જ્યાં જડ–ચેતનનું
ભેદજ્ઞાન થયું, રાગ અને જ્ઞાનને ભિન્ન જાણ્યા ત્યાં ધર્માત્મા પોતાના ચિદાનંદસ્વરૂપનો
પરમ અચિંત્ય મહિમા જાણે છે ને રાગાદિનો મહિમા તેને છૂટી જાય છે; એટલે
ભેદજ્ઞાનના બળે તે પોતાના ઉપયોગને નિજસ્વરૂપના મહિમામાં લીન કરે છે ને
શુદ્ધઆત્માને અનુભવે છે. શુદ્ધાત્માના અનુભવમાં સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા તેને
રાગાદિના અભાવને લીધે કર્મથી અત્યંત છૂટકારો થાય છે. આ રીતે ભેદજ્ઞાનવડે
શુદ્ધાત્માના ઉગ્ર અવલંબનવડે સંવરનિર્જરા ને મોક્ષ થાય છે.
મોક્ષનું મૂળ કારણ ભેદજ્ઞાન છે માટે મોક્ષાર્થીએ તે ભેદજ્ઞાન નિરંતર અતિ
દ્રઢપણે ભાવવાયોગ્ય છે; શુદ્ધાત્માને અને રાગને જુદા જાણીને અતિશયપણે–ધારાવાહી
અંતરંગ પ્રયત્નથી શુદ્ધાત્માની ભાવના કરવા જેવી છે.
सम्पद्यते संवर एष साक्षात्
शुद्धात्मतत्त्वस्य किलोपलंभात्।
स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९।।
અહા, આચાર્યદેવે ભેદજ્ઞાનની ભાવનાને કેવી મલાવી છે! જીવોને પ્રેરણા કરે છે કે
હે જીવો! શુદ્ધાત્માની ઉપલબ્ધિને માટે આ ભેદજ્ઞાનને અતિશયપણે નિરંતર ભાવો.
ભેદજ્ઞાનની ભાવના એટલે શુદ્ધઆત્મા અને રાગ એ બન્નેને ભિન્ન જાણીને શુદ્ધઆત્માની
સન્મુખ થવાનો વારંવાર પ્રયત્ન કરવો. શુદ્ધઆત્માના અવલંબને ભેદજ્ઞાનની ભાવના છે.
ભેદજ્ઞાનની ભાવનામાં કાંઇ વિકલ્પનું અવલંબન નથી. રાગથી અત્યંત ભિન્ન
ચૈતન્યસ્વભાવની ભાવનાવડે કર્મનો સંવર થાય છે. જુઓ, શુભરાગવડે સંવર નથી થતો,
શુભરાગની ભાવનામાં તો આસ્રવની ભાવના છે. અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફ જ્ઞાનનું
પરિણમન થતાં તે જ્ઞાન આસ્રવોથી છૂટી જાય છે.
પહેલાં ભેદજ્ઞાન કરવું તે જ ધર્મનો એકડો છે. ભેદજ્ઞાન વગર ધર્મની વિદ્યા શરૂ
થાય નહિ. ભેદજ્ઞાન થયા પછી પણ જ્ઞાની નિરંતર અચ્છિન્નધારાથી તેની ભાવના કરે છે.
भावयेत्भेदविज्ञानम् इदमच्छिन्नधारया।
तावत्यावत्परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। १३०।।
ભગવાન આચાર્યદેવ કહે છે કે અહો! આ ભેદવિજ્ઞાન (ચૈતન્ય અને રાગનું
ભિન્નત્વ) અચ્છિન્નધારાથી વિચ્છેદ પડયા વગર અખંડપણે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી
પરભાવોથી છુટું પડીને જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. ચૈતન્યનો ઉપયોગ ચૈતન્યમાં જ થંભી
જાય ત્યાંસુધી ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા જ કરવો. આ ભેદજ્ઞાનના અભ્યાસમાં એકલા
વીતરાગીચૈતન્યભાવનું ઘોલન છે. જ્ઞાનમાં જ્ઞાન જ છે ને જ્ઞાનમાં રાગ જરાપણ નથી;