Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 37

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
રાગ રાગમાં જ છે. રાગમાં જ્ઞાન જરાપણ નથી–આમ જ્ઞાન અને રાગની અત્યંત
ભિન્નતા વડે જ્ઞાનસ્વભાવનું સ્વસંવેદન કરીને પછી પણ ભેદજ્ઞાનવડે અચ્છિન્નપણે તે
ભાવ્યા જ કરવું. જુઓ, આ જ્ઞાનીની નિરંતર ભાવના! વચ્ચે બીજા ભાવની ભાવના
ધર્મીને સ્વપ્ને પણ આવતી નથી.
ભેદજ્ઞાનનો મહિમા કરતાં ફરીને આચાર્યદેવ કહે છે કે–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।
ચૈતન્યચમત્કાર માત્ર વસ્તુ અંતરમાં છે તેમાં રાગનો પ્રવેશ નથી,–આવા
ભેદજ્ઞાનપૂર્વક ચૈતન્યસ્વભાવમાં સ્વસન્મુખતાવડે જ મુક્તિ સધાય છે. અને આવા
ભેદજ્ઞાન વગર રાગમાં એકતાવડે જીવ સંસારમાં રખડે છે. જે કોઇ જીવો સિદ્ધ થયા છે–
થાય છે કે થશે તે આવા ભેદજ્ઞાનવડે જ સિદ્ધ થાય છે; અને જે કોઇ જીવો બંધાયા છે
તેઓ આ ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.
એક તરફ શુદ્ધજ્ઞાનસ્વભાવ, અને બીજી તરફ રાગાદિ પરભાવો; તે બન્નેની
ભિન્નતા જાણીને જેઓ જ્ઞાનસ્વભાવ તરફ વળ્‌યા તેઓ મુક્ત થયા છે. અને જ્ઞાન તથા
રાગની એકતા માનીને જેઓ રાગમાં રોકાણા તેઓ અજ્ઞાન વડે બંધાય છે. નિગોદનો
જીવ સંસારમાં કેમ રખડે છે? કે ભેદજ્ઞાન નથી કરતો માટે; ભેદજ્ઞાન વગર ભલે બીજું
બધું કરે, પણ તેનાવડે મોક્ષનું સાધન કિંચિત્ થતું નથી. પરભાવોની ભિન્નતા જાણ્યા
વગર પરભાવ છૂટે કયાંથી? જે જીવ ભેદજ્ઞાનરૂપી કરવતવડે જ્ઞાન અને રાગ વચ્ચેની
સંધીને છેદી નાંખે છે તે જીવ રાગથી ભિન્ન શુદ્ધાત્માને અનુભવતો થકો મુક્તિને સાધે છે.
મોક્ષનું મૂળ ભેદજ્ઞાન છે, ને સંસારનું મૂળ અજ્ઞાન છે. માટે આચાર્યદેવે કહ્યું કે હે જીવો!
જ્ઞાન અને રાગની ભિન્નતા જાણીને નિરંતર ભેદજ્ઞાનને ભાવો.–આમાં ભેદજ્ઞાનના
વિકલ્પની કે ગોખવાની વાત નથી પણ અંતરમાં જ્ઞાનસ્વભાવની સન્મુખતા કરીને
જ્ઞાનભાવરૂપે જ પરિણમ્યા કરવું–તેનું નામ ભેદજ્ઞાનની ભાવના છે. જ્ઞાનીને
ભેદજ્ઞાનની ધારા સતત વર્ત્યા જ કરે છે, ને તે મોક્ષનું કારણ છે.
ભેદજ્ઞાન થતાં જ્ઞાન પોતાના નિજભાવપણે પરિણમ્યું, તે જ્ઞાન પરમસંતોષરૂપ–
શાંત–આનંદમય છે, રાગાદિ પરભાવનો કલેશ તેમાં નથી. ભેદજ્ઞાનરૂપ કળા પ્રગટયા
પછી જ્ઞાની શુદ્ધસ્વભાવને જ સ્વપણે ગ્રહે છે, પરભાવના અંશને પણ પોતાના
સ્વભાવમાં ગ્રહતા નથી. આવા અત્યંત ભેદજ્ઞાનવડે તેને રાગ–દ્વેષ–મોહ ભાવો છૂટી
જાય છે ને કર્મનું બંધન અટકી જાય છે. અને આવી ભેદજ્ઞાનધારાવડે તેને ઉજ્જવળ
જ્ઞાનપ્રકાશ તથા પરમાત્મપદ પ્રગટે છે. આ રીતે ભેદજ્ઞાનવડે પૂર્ણ આનંદરૂપ
પરમાત્મપદ સધાય છે. માટે–
तत् भेदविज्ञानं अतीव भाव्यं