ફાગણ : ૧ :
વાસ્તવિક જીવન
આત્માનું વાસ્તવિક જીવન શું છે તે આચાર્યદેવ જીવત્વશક્તિના વર્ણનમાં દેખાડે
છે. બહારની સગવડતાએ જીવવું કે અગવડતાએ ખેદખિન્ન થઈને જીવવું તે જીવનું ખરું
જીવન જ નથી. અનંતશક્તિની સંપદાથી ભરપૂર એવા ચૈતન્યભાવમાં તન્મય રહીને
સ્વાશ્રયપણે જ્ઞાન–આનંદમય જીવન જીવવું તે જ ખરું જીવન છે. શ્રી નેમનાથપ્રભુની
સ્તુતિમાં કહ્યું છે કે હે ભગવાન!
“તારું જીવન ખરું, તારું જીવન....
જીવી જાણ્યું નેમનાથે જીવન....”
દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેક એકરૂપ ચૈતન્યમય ભાવપ્રાણને ધારણ કરીને ટકે
તે જીવનું ખરું જીવન છે. ભાઈ, તારે સાચું જીવન જીવવું છે ને! તો તારા જીવનનું
કારણ કોણ? તારા જીવનના પ્રાણ કોણ? તે ઓળખ. ચૈતન્યભાવ જ તારા જીવનનું
કારણ છે. ચૈતન્યભાવ જ તારા પ્રાણ છે. આવી ચૈતન્યભાવને ધારણ કરનારી
જીવત્વશક્તિની ઓળખાણ તે મોક્ષતત્ત્વની દાતાર છે. એ જીવનમાં આનંદ અને
પ્રભુતાના ખજાના ભર્યા છે.
(––પહેલી શક્તિના પ્રવચનમાંથી)