Atmadharma magazine - Ank 246
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 37

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૩ :
(––આત્માની અનંતશક્તિનો) વિચાર કરવો, ને દેહની આડે ભિન્નતાની પાળ
બાંધી દેવી. અંદર ચૈતન્યબાદશાહ બિરાજે છે તે મહા ચૈતન્ય પરમેશ્વર છે, તેના વિચાર–
મનન કરવું. અંદર ભગવાન આત્મા આનંદનો દરિયો છે. આનંદ આત્મામાં છે તેની
રુચિ અને વિશ્વાસ ઘૂંટવા જોઈએ. આત્માને અને આસ્રવભાવોનેય જ્યાં એકતા નથી
ત્યાં દેહ સાથે તો એકતાની વાત જ શી?
ભગવાન મહાવીર મોક્ષમાં પધાર્યા... હવે સમશ્રેણીએ જે સ્થાનમાં ગયા ત્યાં
સિદ્ધાલયમાં સાદિ અનંત કાળ સુધી... અનંતકાળ સુધી એક જ સ્થાનમાં પૂર્ણાનંદપણે
એમને એમ રહેવાના. સંસારભ્રમણમાં તો ઘડીકમાં અહીં ને ઘડીકમાં બીજી ગતિમાં, ––
અહીંથી ત્યાં ભ્રમણ થતું, એક સ્થાને સ્થિરતા ન હતી; હવે આત્મા પોતામાં પૂરો સ્થિર
થતાં બહારમાં પણ સાદિઅનંત એક જ ક્ષેત્રે સ્થિર રહે છે––આવું યાદ કરીને ભાવના
તેની ભાવવા જેવી છે. આ શરીર તો રોગનું ઘર છે, એમાંથી આત્મા જેવો ભિન્ન છે તેવો
કાઢી લેવો. પહેલાંં દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં એને જુદો તારવી લેવો.
આત્મામાં તો વીરતા ભરેલી છે, આત્મા તો વીર છે. શરીર જવાની તૈયારી હોય
તો રાખવાનું શું કામ છે? આત્માને શરીર જોઈતું નથી, તે જતું હોય તો ભલે જાય.
આત્માને શરીર જોઈતું નથી ને સિંહ ખાઈ જતા હોય તો ભલે લઈ જાય... મુનિને ક્ષોભ
થતો નથી.. એ તો જાણે મિત્ર મળ્‌યો! –આવી અપૂર્વદશા ક્્યારે આવશે તેની ભાવના
ભાવી છે. સંસાર છે એ તો... શરીરનું હાલ્યા જ કરે... ખરૂં તો આત્માનું કરવાનું છે.
મરણટાણે જિંદગીના અભ્યાસનો સરવાળો આવે છે; એ વખતે ભેદજ્ઞાનપૂર્વક કે
તેની ભાવનાપૂર્વક શાંતિથી દેહ છોડે તેનું ડહાપણ સાચું.
આત્મામાં બેહદ સામર્થ્ય છે... ‘જ્ઞ’ સ્વભાવ... સર્વજ્ઞસ્વભાવ... બેહદસ્વભાવથી
આત્મા ભરેલો છે; જેનો ‘જ્ઞ’ સ્વભાવ તેને જાણવામાં વળી હદ શી! જગતને મરણની
બીક છે પણ જ્ઞાનીને તો આનંદની લહેર છે. મરણ કોનું? આત્મવસ્તુ શાશ્ત છે એનું
ભાન થયું ત્યાં મરણનો ભય નીકળી ગયો. જન્મે કોણ ને મરે કોણ? શરીર અને
આત્માની ભિન્નતાનો જે અભ્યાસ કર્યો તેના પ્રયોગના આ ટાણા છે.
સામે આસ્રવ–યોદ્ધો છે ને અહીં જ્ઞાન–યોદ્ધો છે; સમ્યગ્દ્રષ્ટિ––બાણાવલી
ભેદજ્ઞાનરૂપ તીરવડે આસ્રવોને જીતી લે છે. આવા જ્ઞાનનો વિચાર કરવો. આત્મા
સિવાય બીજું કાંઈ શરણ નથી. આ તો આસ્રવ સામેનો સંગ્રામ છે; સંગ્રામ છે; સંગ્રામ
માટે આત્માને તૈયાર રાખવો.
શરીર રાજીનામું આપે છે. ––તો ભલે જાય; આત્મા તો અવિનાશી એકલો છે.
જુઓને, એકવાર વૈરાગ્યથી ગાયું હતું ને! –
આતમરામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તારું રૂપ જો...
બહિરભાવો તે સ્પર્શે નહિ આત્મને, ખરેખરો એ જ્ઞાયક વીર ગણાય જો...