: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૫ :
કહે છે કે આત્મદ્રવ્ય પોતે મંગળરૂપ છે, તું પોતે મંગળ છો. ચિદાનંદસ્વરૂપી
ભગવાન આત્મા અનાદિ અનંત મંગળરૂપ છે. રાગ હો, રોગ હો પણ આત્મા તેનો
જાણનાર છે;–આવા આત્માના વિચારમાં રહેવું. આત્મા જ્ઞાન–આનંદમય, ને રાગથી
તદ્ન ભિન્ન–તેનો વિચાર, તેનું મનન ને મંથન કરવા જેવું છે. શરીરમાં ખખડાટ થાય
તેના ઉપર લક્ષ ન કરતાં જ્ઞાનાનંદ સ્વરૂપનું લક્ષ કરવું... ભિન્નતાની ભાવના
શરીરમાં નબળાઈ થઈ જાય, ઈન્દ્રિયો મોળી પડે–તેથી કાંઈ આત્માને
વિચારદશામાં વાંધો આવતો નથી. આત્મા કાંઈ ઈન્દ્રિયથી નથી જાણતો; તેમજ
ઈન્દ્રિયોવડે તે જણાતો નથી. આત્મા તો જ્ઞાનમૂર્તિ છે, તે જ્ઞાનથી જ (–ઈન્દ્રિયજ્ઞાનથી
નહિ પણ અતીન્દ્રિયજ્ઞાનથી) જણાય છે. “શુદ્ધબુદ્ધચૈતન્યઘન..” ના વિચાર કરવા.
દેહની સ્થિતિ પોતાના અધિકારની વાત નથી પણ અંદરના વિચાર તે પોતાના
અધિકારની વાત છે. પોતાનું સ્વરૂપ કેમ પમાય એના જ વિચારનું રટણ રાખવું.
અરે, અત્યારે તો જુઓને! ભણેલા પણ ‘જીવીત શરીરથી ધર્મ થાય’ એમ
માનીને આ મૃતક કલેવરમાં મૂર્છાઈ પડ્યા છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્મા પોતે
પોતાને ભૂલીને જડકલેરવમાં મોહિત થયો છે, ––તેની ક્રિયાને તે પોતાની માને છે. ––શું
થાય!
શરીરની હાલત શરીર સંભાળશે, પોતે પોતાના વિચારમાં રહેવું. જડ શરીરનો
સ્વામી આત્મા નથી. જડનો સ્વામી તો જડ હોય; ચેતન ચેતનનો સ્વામી હોય.
સર્વજ્ઞસ્વભાવી આત્મા ઈન્દ્રિયોથી કે એકલા અનુમાનથી જણાઈ જતો નથી,
સ્વસન્મુખતાથી જ તે જણાય તેવો છે. અંદર પોતામાં આખી વસ્તુ પડી છે, તેમાં
‘કરણ’ નામનો સ્વભાવ છે તેથી તે પોતે જ સાધન થઈને પરિણમે છે; બીજું સાધન
ક્્યાં હતું?
એક વસ્તુની બીજી વસ્તુ જરાપણ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં
(પોત–પોતાના ગુણપર્યાયમાં) મગ્ન છે, ત્યાં કોણ કોનું કરે?
આ શરીર તો ધર્મશાળા જેવું છે. આત્માને તેમાં રહેવાની મુદત છે. મુદત પૂરી
થતાં અવિનાશી આત્મા બીજે ચાલ્યો જશે. અરે, અવિનાશી આત્માને વારંવાર આવા
ઘર બદલવા પડે–એ તે કાંઈ શોભે છે!
શરીર તો ફટફટીયા જેવું છે, તેમાં તો ખખડાટ જ હોય ને? શાંતિ તો આત્માના
સ્વરૂપમાં છે, તેનો પ્રેમ કરવો. આત્માનો પ્રેમ છોડીને પરભાવનો પ્રેમ કરવો તે આત્મા
ઉપરનો મોટો ક્રોધ છે. શરીરમાં ખખડાટ થાય તેના ઉપર લક્ષ ન કરવું. જ્ઞાનપરિણતિના
આધાર કાંઈ રાગ નથી. રાગ સાથે કે દેહ સાથે જ્ઞાનપરિણતિને શું સંબંધ છે? શરીર
આમ રહે તો ઠીક ને આમ રહે તો અઠીક––એવું કાંઈ આત્મામાં નથી. શરીરની જે
પર્યાય થાય છે તે યથાયોગ્ય જ છે. તેનાથી ભિન્નતાની ભાવના રાખવી. આત્મા ભિન્ન
જ છે. જુદો... ને... જુદો.