મન અને શરીર, જાણે કે અમૃતથી શીઘ્ર સીંચાઈ ગયાં હોય એમ ભાસે છે.
’ પોતાના આત્માનું લક્ષ ને સર્વજ્ઞના ગુણોની ઓળખાણપૂર્વક કહે છે કે હે
નાથ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રોવડે આપને દેખવાથી મારી
શ્રદ્ધા–જ્ઞાન પર્યાય સફળ થઈ ગઈ. બહારમાં જિનવરદેવની પ્રતિમાના
દર્શનથી બહારની આંખો સફળ થઈ અને અંતરંગમાં જિનવરસ્વભાવી
આત્માને દેખતાં જ અંતરના શ્રદ્ધા–જ્ઞાનરૂપી ચક્ષુ સફળ થયાં. હે જિન!
આપને જોતાં હું મને સફળ માનું છું. વિકલ્પ થાય તેને હું જોતો જ નથી.
તારા દર્શનથી મારી આંખો સફળ થઈ, અવતાર સફળ થયો અને
અનંતકાળે નહિ થયેલો એવો અપૂર્વ આત્મભાવ પ્રગટ થયો. તારી
ઓળખાણથી મારું જીવન સફળ થયું–ધન્ય થયું. હે નાથ! તારા દર્શનથી
આત્મા તો આનંદમય થયો–અમૃતથી સીંચાઈ ગયો, પરંતુ શરીર અને મન
પણ અમૃતથી સીંચાઈ ગયાં છે. જેમ ઘણાં લાંબા કાળે પોતાનાં વહાલા
પુત્રને જોતાં જ સાચી માતાના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, પુત્રપ્રેમથી
છાતી ફૂલાઈ જાય અને વસ્ત્રની કસ તૂટી જાય તથા સ્તનમાંથી દૂધની
ધાર છૂટે... તેમ હે ચૈતન્ય ભગવાન! અનંતકાળે તારા દર્શન મળ્યાં, તારા
દર્શન વડે સ્વભાવ સમજવાથી મારો આત્મા ઉલ્લસિત થયો, મારા દ્રષ્ટિનાં
બંધન તૂટી ગયાં, અને અમૃતની ધારા છૂટી, હું કૃતકૃત્ય થયો. અહા! એમ
ન સમજશો કે આચાર્યદેવે આ વાણીનો વિલાસ કર્યો છે, આ તો યથાર્થ
ઓળખાણના ભાવનો જ્ઞાનીનો ઉલ્લાસ છે. અસંખ્ય આત્મપ્રદેશ આનંદથી
પ્રફુલ્લિત થયાં છે. હે નાથ! તારા દર્શન કરતાં મારો આત્મા તો
અમૃતરસથી સીંચાઈ ગયો પરંતુ આત્માની પાડોશમાં રહેનારાં આ શરીર,
મન અને વાણીને પણ તેની છાંટ લાગી તેથી તે પણ અમૃતરસથી ભીંજાઈ
ગયાં! આ રીતે પૂર્ણ પરમાત્મપદના સાધક ધર્માત્માને પૂર્ણપદને પામેલા
એવા ભગવાન પ્રત્યે ઉલ્લાસ આવે છે. તેમના પ્રતિબિંબનું દર્શન થતાં
પણ જાણે કે સાક્ષાત્ ભગવાન જ ભેટયા હોય એવો આહ્લાદ આવે છે.