શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૯ઃ
અમદાવાદને આંગણે વીરપ્રભુનો જન્મોત્સવ
અમદાવાદનું આંગણું ને ચૈત્ર સુદ તેરસનો દિવસ...ત્યારે
રપ૬ર વર્ષને ઓળંગીને ગુરુદેવે પ્રવચનમાં વીરપ્રભુના
જન્મોત્સવનો સાક્ષાત્કાર કરાવ્યો...વીરપ્રભુના જીવનનું
ભાવભીનું દર્શન કરાવ્યું...ને વીરહાકથી વીરપ્રભુનો સન્દેશ
સંભળાવ્યો.
ઘડીકમાં ગદ્યથી તો ઘડીકમાં પદ્યથી, ઘડીકમાં વીરપ્રભુના
જન્મનું હાલરડું સંભળાવતા, તો ઘડીકમાં વીરપ્રભુની વીરહાક
સંભળાવતા, એવી એ પ્રવચનની ધારા અદ્ભુત હતી...તે
સાંભળતા ત્રણ ચાર હજાર શ્રોતાજનો વીરપ્રભુ પ્રત્યેની પરમ
ભક્તિથી ડોલી રહ્યા હતા...ને આવા ઉમંગભર્યા વાતાવરણથી
વીરપ્રભુનો જન્મોત્સવ ગુજરાતના પાટનગરમાં ઉજવાયો હતો.
(સં. ૨૦૨૦) (પૂજન–ભક્તિ વગેરે કાર્યક્રમો પણ હતા.) તે
દિવસનું પ્રવચન અહીં આપ્યું છે.
આજ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો મંગળ દિવસ છે. તેમણે આ ભવ
પહેલાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરેલો, પછી ઉન્નતિ ક્રમમાં આગળ વધતાં
વધતાં આ ભવમાં તેઓ પરમાત્મા થયા.
પૂર્વના ભવોમાં હજી તેમને કેવળજ્ઞાન થયું ન હતું પણ સર્વજ્ઞસ્વભાવી
આત્માનું ભાન હતું, અનુભવ હતો; તે ભૂમિકામાં આત્માને સાધતાં સાધતાં, ને તેની
પૂર્ણતાની ભાવના ભાવતાં ભાવતાં વચ્ચે એવી વૃત્તિ ઊઠી કે અહો, આવું ચૈતન્યતત્ત્વ
જગતના બધા જીવો પણ સમજે; ધર્મવૃદ્ધિ સાથેના આવા શુભવિકલ્પથી તીર્થંકરપ્રકૃતિ
બંધાણી, જેમ ઊંચા અનાજ પાકે ત્યાં ઘાસ પણ ઘણા પાકે છે, તેમ ધર્મ તે તો કસ છે,
તે ધર્મની સાથે સાથે સાધકદશામાં પુણ્ય પણ અલૌકિક પાકે છે. એવા અલૌકિક પુણ્ય
સાથે ભગવાન મહાવીરનો આત્મા આ ચૈત્ર સુદ તેરસે ભરતક્ષેત્રમાં અવતર્યો.
સ્વર્ગમાંથી ત્રિશલા માતાની કુંખે આવ્યા ત્યારે જ ત્રણ જ્ઞાન ને સમ્યગ્દર્શન તો સાથે
જ લાવ્યા હતા. આત્માના શાંતરસના અનુભવની દશા તો માતાની કુંખમાં આવ્યા
ત્યારે પણ વર્તતી હતી.