સમ્યગ્દર્શન માટે ઉલ્લાસપૂર્વક નિરંતર પ્રયત્ન કરે છે, તેમાં પ્રમાદ કરતો નથી. પોતાનું
આત્મકાર્ય સાધવા માટે આત્માર્થીના પરિણામ નિરંતર ઉલ્લાસમાન હોય છે.
નિજકર્તવ્યને એક ક્ષણ પણ અંતરથી વિસારતો નથી.–આવો જીવ અલ્પકાળમાં
સમ્યગ્દર્શન પામે છે.
સમ્યગ્દર્શન ક્યારે થયું કહેવાય? કે જ્યારે સ્વરૂપસન્મુખ થઇને નિર્વિકલ્પ અનુભૂતિ
થાય–અતીન્દ્રિય આનંદનું વેદન થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે
જ યથાર્થ પ્રતીતિ છે; તે સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહીં. તત્ત્વવિચાર પછી ઊંડો
ઊતરીને–અંતર્મુખ થઇને સ્વરૂપની નિર્વિકલ્પ અનુભૂતિ ન કરે ત્યાંસુધી જીવ
સમ્યગ્દર્શન પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો પરમ મહિમા લાવી, તેને
લક્ષગત કરીને તેની નિર્વિકલ્પઅનુભૂતિ કરવી–પ્રત્યક્ષ સ્વસંવેદન કરવું–તે
સમ્યગ્દર્શન છે. નિર્વિકલ્પઅનુભૂતિપૂર્વક આવું સમ્યગ્દર્શન પ્રગટયા પછી, જ્ઞાનીને
સવિકલ્પદશામાં પણ તે સતત ટકીને રહે છે. જિજ્ઞાસુએ સમ્યક્ત્વઆરાધનાનો
પ્રયત્ન નિરંતર કર્તવ્ય છે.