મનન જરૂર કરે. જેને આત્માની લગની લાગી હોય તે સ્વાધ્યાય અને મનન
વગર એક પણ દિવસ ખાલી જવા દ્યે નહિ. જેમ વ્યસની માણસને પોતાના
વ્યસનની ચીજ વગર એક પણ દિવસ ચાલતું નથી તેમ આત્માર્થી જીવને
આત્માના સ્વાધ્યાય મનનનું વ્યસન (લગની) લાગી જાય છે. જેમ બને તેમ
સદ્ગુરુના સાક્ષાત્ સત્સમાગમમાં રહીને આત્માનું શ્રવણ–મનન કરવું જોઇએ;
અને જ્યારે સદ્ગુરુના સાક્ષાત્ સત્સમાગમનો યોગ ન બની શકે ત્યારે તેમની
આજ્ઞા અનુસાર શાસ્ત્રનું વાંચન અને મંથન કરવું જોઇએ. “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ
નહિ ત્યાં આધાર સુપાત્ર’ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગમાં રહીને શ્રવણ–મનન કરવું તે
તો ઉત્તમ છે, પરંતુ જ્યારે સદ્ગુરુના પ્રત્યક્ષ યોગમાં પોતે ન હોય ત્યારે તેમના
કહેલા આત્મસ્વરૂપ બતાવનારા સત્શાસ્ત્રોનું સ્વાધ્યાય અને મનન કરવું તે સુપાત્ર
જીવોને આધારરૂપ છે. શ્રાવકોએ હંમેશા કરવા યોગ્ય છ કર્તવ્યોમાં સ્વાધ્યાયને
પણ એક કર્તવ્ય ગણ્યું છે. રોજ રોજ નવા નવા પ્રકારના વાંચન–મનનથી
આત્માર્થી જીવ પોતાના જ્ઞાનની નિર્મળતા વધારતો જાય છે. ગમે તેવા સંયોગમાં
અને ગમે તેવી પ્રવૃત્તિમાં પડયો હોય તો પણ હંમેશાં ચોવીસ કલાકમાંથી કલાક બે
કલાકનો વખત તો સ્વાધ્યાય–મનનમાં ગાળવો જ જોઇએ, અરે! છેવટમાં
છેવટ....ઓછામાં ઓછો પા કલાક તો હંમેશાં નિવૃત્તિ લઇને એકાંતમાં શાંતિપૂર્વક
આત્માના સ્વાધ્યાય ને વિચાર કરવા જ જોઇએ. હંમેશાં પા કલાક વાંચન–
વિચારમાં કાઢે તો પણ મહિનામાં સાડાસાત કલાક થાય; તથા હંમેશ–હંમેશ સત્નું
સ્વાધ્યાય–મનન કરવાથી અંતરમાં તેના સંસ્કાર તાજા રહ્યા કરે અને તેમાં દ્રઢતા
થતી જાય. જો સ્વાધ્યાય–મનન બિલકુલ છોડી દ્યે તો તો તેના સંસ્કાર પણ ભુલાય
જાય. નિવૃત્તિ લઇને આત્માનો વિચાર કરવા પણ જે નવરો ન થાય તો પછી
વિકલ્પ તોડીને આત્માના અનુભવનો