Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 55

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
સાંભળતાં તાપસ તો ક્રોધથી ધુંવાફૂંવા થઈ ગયો ને લાકડું ફાડીને જોયું તો અંદરથી
અર્ઘદગ્ધ સર્પ–સર્પિણી તરફડિયા મારતા નીકળ્‌યા....પાર્શ્વકુમારે દયાપૂર્વક નમસ્કારમંત્ર
સંભળાવીને તે નાગ–નાગણીનો ઉદ્ધાર કર્યો; નમસ્કારમંત્રના પ્રતાપે શાંતપરિણામથી
મરીને તે બંને ધરણેન્દ્ર તથા પદ્માવતીદેવી થયા. મહિપાલ તાપસ કુતપથી મરીને સંવર
નામનો જ્યોતિષીદેવ થયો.
આ બાજું કાશીનગરીમાં રાજકુમાર પારસનાથ એકવાર રાજસભામાં બેઠા છે.
દેશ દેશના રાજાઓ તરફથી ભેટ આવે છે. અયોધ્યાનગરીના રાજદૂત પણ ઉત્તમ ભેટ
લઈને આવી પહોંચ્યા. અયોધ્યાનગરી કેવી છે! એમ પૂછતાં દૂતના મુખથી અયોધ્યાનો
અદ્ભુત મહિમા સાંભળીને, તથા પોતાના જેવા આદિનાથ વગેરે અનેક તીર્થંકરો ત્યાં
થઈ ગયા છે તે સાંભળીને પારસકુમાર વૈરાગ્ય પામે છે....જાતિસ્મરણ જ્ઞાન થાય છે, ને
દીક્ષા લઈને મુનિ થાય છે.
મુનિદશામાં એકવાર પારસપ્રભુ ધ્યાનમાં ઊભા છે; એવામાં સંવરદેવ (કમઠના
જીવ) નું વિમાન ત્યાં અટકી જાય છે....ને આ મુનિએ જ મારું વિમાન થંભાવી દીધું છે
એમ સમજી અત્યંત ક્રોધિત થઈને દ્રુષ્ટ પરિણામથી અગ્નિ–પત્થર ને પાણી વગેરેથી ઘોર
ઉપદ્રવ કરે છે. એ જ વખતે ધરણેન્દ્ર અને પદ્માવતી (નાગ–નાગણીના જીવ) ત્યાં
આવી ભક્તિપૂર્વક સેવા કરે છે, ને છત્ર ધારણ કરીને ઉપદ્રવ દૂર કરે છે. ભગવાન તો
ધ્યાનમાં એવા લીન છે કે તેમને તો લક્ષેય નથી કે કોણ ઉપદ્રવ કરે છે ને કોણ
ભક્તિ કરે છે! નથી તેમને ઉપદ્રવ કરનાર ઉપર દ્વેષ, કે નથી ભક્તિ કરનાર ઉપર
રાગ.–એ તો પોતાની સાધનામાં મશગૂલ
છે. એક તરફ ક્રોધની પરાકાષ્ઠા છે તો
બીજી તરફ ક્ષમાની પરાકાષ્ઠા છે. અંતે ભગવાન પારસનાથને કેવળજ્ઞાન થાય છે,
કમઠનો જીવ સંવરદેવ પશ્ચાત્તાપથી પ્રભુચરણે નમીને ક્ષમા માંગે છે, ને ભગવાન પાસે
ધર્મ પામે છે.
આ છે ક્રોધ ઉપર ક્ષમાનો વિજય!
કમઠના જીવે લગાતાર અનેક ભવો સુધી વેરબુદ્ધિથી પારસનાથના જીવ ઉપર
ઘોર ઉપદ્રવો કર્યા, પરંતુ પારસનાથના જીવે ક્ષમાભાવ ધારણ કરીને અંતે તેનો ઉદ્ધાર
કર્યો. જેમ પારસના સંગે લોહ પણ સુવર્ણ બને છે, તેમ પારસપ્રભુના સંગથી કમઠ જેવો
જીવ પણ ધર્મી પામીને સુવર્ણ જેવો બની ગયો. પારસનાથ પ્રભુના જીવનની આ ખાસ
વિશેષતા છે, તે આત્માર્થી જીવને માટે મહાન આદર્શરૂપ છે.