ઃ ૮ઃ અષાઢઃ ૨૪૯૦
તત્ત્વનિર્ણયનો અવસર
હે જીવ! તારે જો તારું ભલું કરવું છે તો સર્વજ્ઞનો અને સર્વજ્ઞના કહેલાં તત્ત્વોનો
નિર્ણય કર; કેમકે તત્ત્વનિર્ણય તે જ સર્વ સુખનું મૂળ કારણ છે. તારી બુદ્ધિ બીજી અત્યંત
નકામી વાતોનો નિર્ણય કરવામાં તો પ્રવર્તે છે, અને, આત્મહિતના મૂળ આધાર
અર્હંતદેવ તથા તેમણે કહેલાં તત્ત્વો, તેના નિર્ણયમાં તારી બુદ્ધિ પ્રવર્તતી નથી!–એ મોટું
આશ્ચર્ય છે.
આત્મહિતને માટે તત્ત્વનિર્ણય કરવા જેટલું જ્ઞાન તો તને પ્રાપ્ત થયું છે, માટે હે
જીવ! તું આ અવસરને વૃથા ન ગુમાવ. આળસ, માન વગેરે છોડીને ઉદ્યમપૂર્વક તારા
આત્માને તત્ત્વનિર્ણયમાં લગાવ. આત્માનું સ્વરૂપ શું, હેય–ઉપાદેય તત્ત્વો કયા? પદ શું,
અપદ શું? સર્વજ્ઞનું સ્વરૂપ શું?–ઇત્યાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય તે સર્વ મનોરથની
સિદ્ધિનો ઉપાય છે; અને તેનો આ અવસર છે. માટે જે પ્રકારે તેની સિદ્ધિ થાય તે પ્રથમ
કર, એવી શ્રી ગુરુની શિક્ષા છે.
સાચો જૈન
હે જીવ! જો તારે સાચો જૈન થવું હોય તો જિનેન્દ્ર ભગવાને કહેલાં તત્ત્વોનો
નિર્ણય કર. જીવ અને અજીવ વગેરે તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેના નિર્ણય વગર
સાચું જૈનત્વ હોતું નથી, અને ધર્મ માટેનાં તેના બધા કાર્યો (વૈરાગ્ય, તપ, ધ્યાન
વગેરે) પણ અસત્ય હોય છે. માટે, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. ભલે બીજું જ્ઞાન
અલ્પ હોય તોપણ, પોતાના હિત માટે મોક્ષમાર્ગના પ્રયોજનભૂત તત્ત્વોનો નિર્ણય તો
અવશ્ય કરો.
આ કાળે બુદ્ધિ થોડી, આયુ થોડું, સત્ સમાગમ દુર્લભ–તેમાં હે જીવ! તારે એ જ
શીખવા યોગ્ય છે કે જેનાથી તારું હિત થાય,...ને જન્મ–મરણ મટે.
યથાર્થ તત્ત્વનિર્ણય તે જિનત્વની પહેલી સીડી છે; માટે તત્ત્વનિર્ણય કરીને સાચો
જૈન થા.
(તુરતમાં પ્રગટ થનાર “રત્નસંગ્રહ”માંથી)