અષાઢઃ ૨૪૯૦ઃ ૯ઃ
સ....મ....ય....સા....ર
[બાર વર્ષ પહેલાંની વૈશાખ વદ ૮ નું પ્રવચન]
[હે સમયસાર! તારા ગૂઢ ગંભીર રહસ્યોને મારા અંતરમાં
પરિણમાવીને મને સહજ શાંતિનું પાન કરાવ.]
આજે સમયસારનો દિવસ છે. સ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારજીની પ્રતિષ્ઠાને
(આ ૨૦૨૦ની સાલમાં) ૨૬ વર્ષ પૂરાં થઇને ૨૭મું વર્ષ બેઠું. સમયસાર તે
કુંદકુંદાચાર્યદેવે રચેલું, અલૌકિક, જૈન દર્શનના મર્મરૂપ શાસ્ત્ર છે. લગભગ સંવત્ ૪૯માં
કુંદકુંદાચાર્ય થયા, તેઓ દિગંબર સંત હતા, છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની દશા અંતરમાં
પ્રગટી હતી, તે પંચપરમેષ્ઠીમાં ભળ્યા હતા. તેઓ ભગવાન સીમંધર પરમાત્મા પાસે
મહાવિદેહમાં ગયા હતા. તેમને ભગવાનનો વિરહ પડયો. અરેરે! વીર પરમાત્માની
હાજરી નહિ, સાક્ષાત્ તીર્થંકરનો યોગ નહિ. સીમંધર પરમાત્મા યાદ આવ્યા. તેઓ
અહીંના આચાર્ય હતા. તે વખતના શાસનમાં તેઓ મુખ્ય આચાર્ય હતા. એક વખત
તેમને તીર્થંકરોના વિરહનો પરિતાપ થયો અને...
રે! રે! સીમંધર નાથના વિરહા પડયા આ ભરતમાં...
એવા વિચારની શ્રેણીમાં ચડયા ત્યાં મહાવિદેહમાં જવાનો યોગ બન્યો. અત્યારે
મહાવિદેહમાં જે સીમંધર પરમાત્મા બિરાજે છે તે જ સીમંધર પરમાત્મા તે વખતે
બિરાજતા હતા. ત્યાં કુંદકુંદ પ્રભુ ગયા અને આઠ દિવસ ભગવાનની વાણી સાંભળી;
ત્યાં જ્ઞાનની નિર્મળતા ઘણી વધી ગઇ. ત્યાં આઠ દિવસ રહીને પાછા ભરતે પધાર્યા,
ત્યાર પછી સમયસારાદિ મહાન પરમાગમો રચ્યાં....સાક્ષાત્ આત્માનો અનુભવ, પ્રત્યક્ષ
ભગવાનનો ભેટો અને મુનિદશાના ચારિત્રમાં ઝૂલતાં ઝૂલતાં તેમણે આ અલૌકિક
શાસ્ત્રો રચ્યાં છે. અનંતકાળથી તત્ત્વ સમજવું રહી ગયું છે તે આમાં સમજાવ્યું છે. બીજાં
ઘણાં શાસ્ત્રોમાં તેવું રહસ્ય રહેલું છે, પણ સમયસાર તો તેમાં સર્વોત્કૃષ્ટ છે.
અહો! આવું અલૌકિક સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર આ સમયસાર છે. તેની પ્રતિષ્ઠાનો
આજે દિવસ છે. તેના માંગલિકમાં કહે છે કે–
नमः समयसाराय स्वानुभूत्या चकासते ।
चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।।