Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 35

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સત્તારૂપ વસ્તુ છું. મારી પર્યાય સત્તાસ્વભાવમાંથી જ
આવે છે, બહારમાંથી નથી આવતી–આમ નક્કી કરીને સ્વભાવમાં નમ્યો તે નમવાની
નિર્મળ પર્યાય ક્યાંથી આવી? કે જ્ઞાન સ્વભાવી વસ્તુમાંથી જ પરિણમતી–પરિણમતી તે
દશા પ્રગટી છે. બહારમાંથી કે પુણ્ય–પાપમાંથી આવી નથી.
અફીણ કડવું ને લીંબુ ખાટું, પણ આત્મા કેવો? કે આત્મા ચિત્સ્વભાવી વસ્તુ છે.
દવાથી રોગ મટે ને પાણીથી તરસ મટે, ખોરાકથી ભૂખ ભાંગે ને કપડાંથી ટાઢ ટળે–એમ
બધાના ગુણનો વિશ્વાસ કરે પણ આત્મા ચૈતન્ય સ્વભાવી વસ્તુ છે, તે બધાનો
જાણનાર છે તેનાથી દુઃખ ટળે ને સુખ મળે,–એેવો વિશ્વાસ કર્યો નથી. પણ સ્વભાવ
સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો આદર કરવો, તેમાં નમવું–પરિણમવું તેનું નામ માંગળિક
છે. બધાને જાણું એેવો ગુણ મારામાં છે–એમ પોતાના ગુણનો વિશ્વાસ કરે તો સંસાર
તરત મટી જાય, ને મોક્ષમાર્ગ પ્રગટી જાય.
અહો જે કુળમાં તીર્થંકરો જન્મ્યા તે જ કુળ આ આત્માનું છે. તીર્થંકરોમાં ને
આત્માના સ્વભાવમાં પરમાર્થે કાંઇ ફેર નથી. ધર્મી કહે છે કે અહો! હું મારા
ધર્મમૂર્તિ આત્માની પ્રતીત કરીને તેનાં ગાણાં ગાવા ઊભો થયો, તેમાં હવે ભંગ
પડશે નહિ. મારા સ્વભાવ સિવાય બીજા કોઇનો આદર કરું નહિ. આવી અમારા
કુળની વટ છે. હે તીર્થંકરો! તમે જે કુળમાં થયા તે જ કુળનો હું છું. જે વાટે
તીર્થંકરો વિચર્યા તે જ પંથે અમે વિચરનારા છીએ. હે નાથ! તારી ને મારી
ચૈતન્યજાત એક જ છે. મેં પણ એવા શુદ્ધ ચૈતન્યને માન્યો છે અને તેનો જ આદર
કરીને મોક્ષમાર્ગે ચાલ્યો આવું છું. મારા ચૈતન્યકુળની આવી રીત છે. હે નાથ!
ચિદાનંદસ્વભાવ પરિપૂર્ણ છે તે સિવાય બીજા કોઇના આશ્રયથી હવે લાભ માનું
નહિ. અમે આત્મા છીએ, અમારો ચિત્સ્વભાવ છે, ગુણગુણી જુદા નથી. બન્ને
ત્રિકાળ છે, તેમાંથી જ જ્ઞાનની પર્યાય ખીલે છે. જ્ઞાન બહારમાંથી નથી આવતું,
પણ અંદર સ્વભાવ ભર્યો છે તેમાંથી જ તે પ્રગટે છે.
શુદ્ધઆત્મા પોતાની સ્વાનુભૂતિથી જ પ્રકાશમાન છે. પોતે અંતર્મુખ થઇને
પોતાનો અનુભવ કર્યો એવી નિર્વિકારી ક્રિયાથી આત્મા પ્રકાશે છે. જુઓ, આ
ધર્મની ક્રિયા છે. આવી ક્રિયાને જે માને નહિ તેને વસ્તુ જ સિદ્ધ થતી નથી. અહો!
આત્મા પોતે પોતાથી જ પોતાને જાણે છે. શરીર, સમોસરણ ને તીર્થંકરોની હાજરી
વખતે પણ તે કોઇના કારણે ભગવાન આત્મા પ્રકાશમાન થતો નથી, તે વખતે પણ
પોતે પોતાના અંતરમાં સ્વાનુભવરૂપી ક્રિયાથી જ પ્રકાશમાન થાય છે.