Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 35

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૩૧ઃ
* સ..... મ્ય.... ગ્દ.... ર્શ.... ન *
સમ્યગ્દર્શન! કેવું આહ્લાદકારી છે! –પોતાના જીવનનું એ મહાન કર્તવ્ય.. એનું
નામ સાંભળતાંય આત્માર્થીને ભક્તિથી રોમાંચ ઉલ્લસે છે. ખરૂં જ છે,–પોતાની પ્રિય
વસ્તુનું વર્ણન સાંભળીને કોને હર્ષ ન થાય! હજારો શાસ્ત્રોએ હજારો શ્લોકો વડે જેના
અચિંત્ય મહિમાનું વર્ણન કર્યું છે એવા સમ્યગ્દર્શનની શી વાત!–એવું સમ્યગ્દર્શન સાક્ષાત્
જોવા મળે તો કેવી આનંદની વાત! આ કાળે ગુરુદેવના પ્રતાપે એવું સમ્યગ્દર્શન સાક્ષાત્
જોવા મળે છે. કેમ કે ભાવનિક્ષેપે સમ્યક્ત્વપરિણત જીવો તે પોતે જ સમ્યગ્દર્શન છે, એટલે
એવા સમકિતી જીવોનું દર્શન તે સાક્ષાત્ સમ્યગ્દર્શનનું જ દર્શન છે; એમની ઉપાસના તે
સમ્યગ્દર્શનની જ ઉપાસના છે; એમનું બહુમાન–વિનય–ભક્તિ તે સમ્યક્ત્વનું જ બહુમાન–
વિનય–ભક્તિ છે. આપણા સૌભાગ્યે આપણને અત્યારે સમ્યક્ત્વના આરાધક જીવોની
સત્સંગતિનો અને તેમની ઉપાસનાનો સુઅવસર સાંપડયો છે. પૂ. ગુરુદેવ ભવ્ય જીવોને
સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવી રહ્યા છે; તેઓશ્રીની મંગલકારી ચરણછાયામાં રહીને
સમ્યગ્દર્શનના પરમ મહિમાનું અને તેની પ્રાપ્તિના ઉપાયનું શ્રવણ–મંથન કરવું તે
માનવજીવનની કૃતાર્થતા છે. ગુરુદેવ પોતાના કલ્યાણકારી ઉપદેશ વડે સમ્યગ્દર્શનનું જે
સ્વરૂપ સમજાવી રહ્યા છે તેના જ એક અલ્પ અંશનો આ પુસ્તકમાં સંગ્રહ કર્યો છે.
સંસારમાં મનુષ્યપણું દુર્લભ છે. પરંતુ સમ્યગ્દર્શન તો એનાથીય દુર્લભ છે.
મનુષ્યપણું પામીને પણ સમ્યક્ત્વહીન જીવ પાછો સંસારમાં જ રખડે છે...પરંતુ
સમ્યગ્દર્શન એવી ચીજ છે કે એક ક્ષણ પણ તેની પ્રાપ્તિ કરનાર જીવ જરૂર મોક્ષ પામે
છે. માટે, આવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો તેજ આ દુર્લભ માનવ જીવનનું
મહાકર્તવ્ય છે...અને તેને માટે જ્ઞાની ધર્માત્માઓનો સીધો સત્સમાગમ સૌથી મોટું
સાધન છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરીને આ અસાર સંસારના જન્મ–મરણથી છૂટવું
હોય...ને ફરીથી નવ માસ નવી માતાના પેટે પૂરાવું ન હોય તેઓ સત્સમાગમના
સેવનપૂર્વક આત્મરસથી સમ્યગ્દર્શનનો અભ્યાસ કરો.
(સમ્યગ્દર્શન પુસ્તક ત્રીજુંઃ નિવેદનમાંથી)
[સમ્યગ્દર્શન–પુસ્તક ત્રીજું કિંમત રૂા. ૧/–]
મુમુક્ષુ મંડળોને સૂચના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની પ્રચાર કમિટી તરફથી સૂચિત કરવામાં
આવે છે કે દસલક્ષણીપર્યુષણ દરમિયાન જે જે ગામના મુમુક્ષુમંડળને કે જૈનસમાજને
વાંચન કારભાઈની આવશ્યકતા હોય તેમણે સોનગઢ પ્રચાર કમિટિને તે સંબંધી
તુરત સૂચના મોકલવી, જેથી તે સંબંધી યોગ્ય પ્રબંધ વખતસર કરી શકાય.
–પ્રચાર કમિટિ, જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌ.)