Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 35

background image
ઃ ૩૦ઃ અષાઢઃ ૨૪૯૦
રાગને જે મોક્ષનું સાધન માને છે તે રાગમાં જ મોક્ષનું સાધન શોધે છે; પણ
રાગ તે બંધસાધન છે, તેમાં મોક્ષનું સાધન ક્યાંથી મળશે? રાગને મોક્ષનું સાધન
માનનારો ખરેખર તે રાગને આત્મસ્વભાવથી અભિન્ન માને છે, તો જેને પોતાથી
અભિન્ન માને તેનાથી પોતે જુદો કેમ પડે? અને રાગથી જે જુદો ન પડે તે મોક્ષ ક્યાંથી
પામે? માટે હે ભાઈ, તું ઊંડી વિચારણા કરીને સાચા સાધનને શોધ. પહેલી વાત એ છે
કે કર્તાનું સાધન નિશ્ચયથી કર્તાથી જુદું ન હોય. મોક્ષનો કર્તા તું, –તો તારાથી જુદું
સાધન ન હોય.
એ સાધન કયું છે? રાગાદિ બંધભાવોને સર્વે તરફથી છેદનારી ને
સમસ્ત ચૈતન્યભાવને અંગીકાર કરનારી–એવી જે વીતરાગીજ્ઞાનપરિણતિ,
ભગવતીપ્રજ્ઞા તે બંધને છેદવામાં તારું સાધન છે. તે સાધનવડે જ બંધનને છેદવાની
ક્રિયા આત્મા કરે છે.
* શરીરમાં સાધનને શોધીશ મા.
* રાગમાં સાધનને શોધીશ મા.
* રાગમાં ભેળસેળવાળું જ્ઞાન તેમાં પણ સાધનને શોધીશ મા.
* શરીરથી પાર, રાગથી પાર, એવા ચૈતન્યભાવમાં જ તારા સાધનને શોધજે.
* શરીર તો ચેતન વગરનું છે, તેમાં મોક્ષસાધન નથી;
* રાગ પણ ચેતકસ્વભાવથી વિરુદ્ધભાવ છે; તેમાંય મોક્ષસાધન નથી.
* ઉપયોગસ્વરૂપ આત્માને સમસ્ત રાગાદિભાવોથી ભિન્ન જાણનારી જે
પ્રજ્ઞા તે આત્મસ્વભાવથી અભિન્ન વર્તતી થકી, આત્માના મોક્ષનું સાધન
થાય છે. માટે આવી પ્રજ્ઞાછીણીને અંતરમાં એકાગ્ર થઇને એવી રીતે
પટકવી કે બંધભાવો આત્માથી અત્યંત છૂટા પડી જાય. આ ‘પ્રજ્ઞા’ ને
ભગવતી કહીને આચાર્યદેવે તેનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે.
આ ભગવતીપ્રજ્ઞાવડે આત્મા અને બંધ જરૂર જુદા પડે છે; આવું સાધન
અંતરમાં કરે અને કાર્યસિદ્ધિ ન થાય–એમ બને નહિ. કોઇ કહે છે કે અમે ઘણા કાળથી
અભ્યાસ કર્યો પણ કાંઇ કાર્યસિદ્ધિ તો ન થઇ;– તો આચાર્યદેવ કહે છે કે ભાઈ, સાચા
સાધનને (ભગવતી પ્રજ્ઞારૂપ સાધનને) તેં જાણ્યું નથી, ને બીજું સાધન તેં માન્યું છે.
કેમ કે આ ભગવતીપ્રજ્ઞા તો એવું અમોઘ સાધન છે કે તેનાવડે બંધ અને આત્માની
ભિન્નતા જરૂર થાય જ.