સાધનાના પ્રતાપે અહીંની કાંકરી કાંકરી પૂજનિક બની ગઇ છે. ચારે બાજુ છવાયેલો આ
આખો ગૌરવપૂંજ અહીં સુવર્ણભદ્રટૂંક પરથી નજરસમક્ષ દેખાય છે, અહીંથી જાણે કે
સિદ્ધલોક બહુ જ નજીક હોય એવું લાગે છે, ને અનંતા સિદ્ધો તથા તેમની સાધના
સ્મૃતિમાં આવે છે; જીવનમાં ન ભૂલાય એવી ઉચ્ચ ભાવનાઓ હૃદયમાં કોતરાઇ જાય છે.
ઉતરતા પહેલાં સૌએ ફરી ફરીને એ પાવનસિદ્ધિધામને નમસ્કાર કર્યા...અયોગી
ભગવંતોની આ ભૂમિને નમસ્કાર! સિદ્ધભૂમિને નમસ્કાર! અહા કેવો પવિત્ર દેશ! હે
ભગવાન! તમારા દેશમાં આવીને હું દુનિયાને ભૂલી ગયો. દુનિયાનાં દુઃખો દૂર થઇ
ગયા...આત્મા સાધકભાવ તરફ જાગ્યો. છેલ્લે નમસ્કારમંત્રના શાંતિજાપ કરીને મંગલ
જયનાદ કરતા કરતા, ઘંટનાદ ગજાવતાં ગજાવતાં ને ફરીફરીને આ તીર્થની યાત્રા
કરવાની ભાવના ભાવતાં ભાવતાં, ભગવાન સાથે નિકટમુક્તિના કોલકરાર કરીને
આનંદથી યાત્રા પૂરી કરી.
કેવી પરમ અદ્ભુત ભક્તિ હોય તે આજે જોવા મળ્યું. ભૂખ–તરસ કે થાક તો યાદ
આવતા ન હતા...સમવસરણમાં ભૂખ–તરસ કે થાક કયાંથી લાગે! આવી યાત્રા મહાન
ભાગ્યથી જ થાય છે. જેમ તીર્થંકર સાથે તે કાળના જે ગણધરાદિ મુનિઓ ને શ્રાવકો
વિચરતા હશે તેમને કેવો આનંદ થતો હશે! તેમ અહીં પણ યાત્રિકોને ગુરુદેવ સાથે
તીર્થધામમાં વિચરતાં આનંદ થતો હતો. જાણે પૂર્વના દ્રશ્યો જ વર્તમાન નજરે તરવરતા
હતા. ગુરુદેવ પણ પ્રમોદથી કહેતા કે આજે જીવનનો આ એક અગત્યનો પ્રસંગ બન્યો;
તે યાદગાર બની રહેશે. યાત્રા ઘણી સરસ થઇ. યાત્રાના આનંદમંગલ ગાતાં ગાતાં સૌ
નીચે ઉતરી રહ્યા હતા, ઉતરતાં ઉતરતાં શિખરજીની શોભા નીહાળતાં આંખો ઠરતી
હતી...સમ્મેદશિખર પર્વત બહુ મોટો વિશાળ અને ભવ્ય છે...એની દિવ્ય પ્રાકૃતિક શોભા
અનેરી છે, રસ્તા ભારે ગીચ ઝાડીવાળા છે. બે મિનિટનું અંતર હોય તોય માણસો
એકબીજાને જોઇ ન શકે. તેમાંય ટૂંકી કેડીના રસ્તા તો એવી ગીચ ઝાડી વચ્ચેથી પસાર
થાય છે કે જાણે ઊંડી ગૂફામાં ચાલતા હોઇએ તેવું લાગે. ઠેરઠેર કેળાં વગેરેનાં ઝાડો
ઊગેલાં છે, તે ઉપરાંત હરડે વગેરે હજારો પ્રકારની ઔષધિ અને રંગબેરંગી પુષ્પલતાઓ
ચારે બાજુ છવાયેલી છે. રસ્તામાં ઠેરઠેર ધ્યાનયોગ્ય સ્થળો છે..તે આજે ધ્યાનસ્થ
મુનિવરો વગર ખાલી સૂનાં સૂનાં લાગે છે. અહા, મુનિવરો અહીં બિરાજતા હોય...કોઇક
મુનિભગવંત મળી જાય...તો અહીં જ રહી જઇએ ને ચૈતન્યની અનુભૂતિને સાધીએ–
આવી ઉર્મિઓથી ઘડીભર તો પગ શિખરજી પર થંભી જાય છે. તીર્થભૂમિની એ પાવન
ઝાડી ને પહાડી જોતાં એમ લાગે છે