Atmadharma magazine - Ank 250
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 37

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૩ઃ
અહો, સમયપ્રાભૃતની શરૂઆત કરતાં સર્વે સિદ્ધભગવંતોને આત્મામાં
ઊતારીને આચાર્યદેવ અપૂર્વ મંગલાચરણ કરે છે. આત્મામાં સાધકસ્વભાવની
શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું જે સિદ્ધપદ તેને
સાધવાનો જે ભાવ પ્રગટયો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ માંગલિક
છે. અત્યાર સુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ
વડે પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર શરૂ કરું છું.
ભાવસ્તુતિ એટલે અંતર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું પરિણમન અને દ્રવ્યસ્તુતિ એટલે
સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને, મારા તેમ
જ શ્રોતાજનોના આત્મામાં અનંતા સિદ્ધભગવંતોને સ્થાપું છું. આત્મા કેવડો? કે
અનંતા સિદ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિદ્ધોને સ્થાપ્યા ત્યાં
હવે તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં સિદ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે
નહિ; એટલે સિદ્ધને પોતામાં સ્થાપતાં જ રાગ સાથેની એકત્વબુદ્ધિ તૂટી ગઇ, ને
સાધકદશા શરૂ થઇ, તે જ અપૂર્વ મંગળ છે; પંચમકાળનો સાધક પોતાના સિદ્ધપદ
માટે પ્રસ્થાનું મૂકે છેઃ હે સિદ્ધભગવંતો! સિદ્ધપદને સાધવા હું ઉપડયો છું ત્યાં
શરૂઆતમાં જ મારા આત્મામાં આપને સ્થાપું છું અને હે શ્રોતાજનો! તમારા
આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપું છું. હોંસથી હા પાડજો! ના ન પાડશો. અમારો
શ્રોતા એવો જ હોય કે જે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને સાંભળે છે.
એકલા રાગમાં ઊભો રહીને નથી સાંભળતો, પણ પહેલે ઘડાકે સિદ્ધપદના ભણકાર
લેતો આવે છે. “હું સિદ્ધ...તું સિદ્ધ!”–એમ શ્રવણ કરતાં જ આત્મા અંદરથી હકાર
કરતો આવે છે.
આ સમયસાર ભરતક્ષેત્રનું અલૌકિક અમૃતરસથી ભરેલું શાસ્ત્ર છે. માંગળિકમાં
જ સિદ્ધપદ સ્થાપીને સાધકપણાની અપૂર્વ શરૂઆત કરાવે છે.
અહા! ચૈતન્ય સાથે સંબંધ જોડતાં નિર્મળ સાધકભાવની સંતતિ શરૂ થાય છે.
સિદ્ધપદના પૂર્ણ ધ્યેયે સાધક ઊપડયો. હે સિદ્ધભગવંતો! હવે હું આપની નાતમાં આવું
છું; સંસારથી–રાગથી જુદો પડીને સિદ્ધની–શુદ્ધાત્માની નાતમાં ભળું છું.
જુઓ તો ખરા, આ કુંદકુંદસ્વામીની રચના! અહા, ભરતક્ષેત્રમાં જન્મીને
દેહસહિત જેમણે વિદેહ ક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને
પુણ્યની શી વાત!! તેઓ કહે છે કે કેવળી અને શ્રુતકેવળી ભગવંતોએ કહેલા આ
સમયપ્રાભૃતને હું મારા અને પરના મોહના નાશને માટે કહીશ. સિદ્ધસમાન આત્માને
ધ્યેયરૂપે રાખીને આ શરૂ કર્યું છે, માટે તે ધ્યેયને ચૂકશો નહીં. આ સમયસાર સમજે
તેના મોહનો નાશ થઈ જશે–એમ આચાર્યદેવના કોલકરાર છે.