Atmadharma magazine - Ank 251
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 29

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો :
ઘોર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધની વૃત્તિ ઊઠતી નથી ને
રત્નત્રયની આરાધનાથી જેઓ ડગતા નથી. આવા વીતરાગીધર્મોનો
મહિમા સાંભળતાં જગતના સમસ્ત જીવો હર્ષિત થશે; બધાય જીવોને
ચૈતન્યસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત ઉત્તમ મુનિધર્મની
આકાંક્ષા થશે.
આત્માનો સ્વભાવ ચેતના છે; અને તે ચેતનાનું નિર્વિકારરૂપે
પરિણમવું તે ધર્મ છે. જેટલા અંશે ચેતના નિર્વિકારરૂપ (રાગરહિત)
પરિણમે તેટલો ધર્મ છે. ને તેટલો જ મોક્ષમાર્ગ છે. રાગરહિત
ચેતનાપરિણામમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તથા ઉત્તમક્ષમાદિક બધા
કર્મો સમાઈ જાય છે. આત્મા ક્રોધાદિ કષાય ભાવોરૂપ ન પરિણમે ને
પોતાના સ્વભાવમાં સ્થિર રહીને વીતરાગભાવરૂપ પરિણમે–તે
ઉત્તમક્ષમાદિ ધર્મ છે. પહેલાંં અનંતાનુબંધી ક્રોધનો અભાવ સમ્યગ્દર્શનવડે
થાય છે; એ રીતે સમ્યગ્દર્શનવડે અનંતાનુબંધી ક્રોધનો અભાવ કર્યા
પહેલાંં ઉત્તમક્ષમાદિ ધર્મની આરાધના અંશમાત્ર હોઈ શકે નહિ. આ રીતે
ઉત્તમક્ષમાદિ ધર્મોનું મૂળ સમ્યગ્દર્શન છે (‘दंसणमूलो धम्मो’
કુંદકુંદસ્વામીનું સૂત્ર છે.)
પ્રશ્ન:–ઉત્તમક્ષમાદિ દશધર્મ–એ તો મુનિઓના ધર્મ છે, તેમાં અમારે
શ્રાવકોને શું?
ઉત્તર:–ઉત્તમક્ષમાદિ દશધર્મોની ઉત્કૃષ્ટ આરાધના મુનિવરોને હોય
છે–એ ખરૂં, પરંતુ શ્રાવક ધર્માત્માને પણ તે ધર્મની આરાધના અંશે હોય
છે. શાસ્ત્રમાં કહે છે કે જેટલા મુનિઓના ધર્મો છે તે બધાય ધર્મો
આંશિકરૂપે શ્રાવકોને પણ હોય છે. સમ્યગ્દર્શનપૂર્વક અનંતાનુબંધી
ક્રોધાદિનો જેટલો અભાવ થયો ને જેટલો વીતરાગભાવ પ્રગટ્યો તેટલો
ધર્મ છે, ને તે મોક્ષનું કારણ છે. માટે શ્રાવકે પણ ઉત્તમક્ષમાદિ ધર્મોનું
સ્વરૂપ જાણીને તેની આરાધનાની ભાવના કરવી.
ઉત્તમક્ષમાદિ દશધર્મોનું સ્વરૂપ ટૂંકમાં આ પ્રમાણે છે–
(૧) કોઈપણ જીવદ્વારા વધ, બંધન, નિંદા વગેરે ઉપદ્રવ થતા
છતાં પોતાની ચૈતન્યભાવનામાં લીનતાથી એવો વીતરાગભાવ રહેવો કે
ક્રોધ પરિણામની ઉત્પત્તિ જ ન થાય એનું નામ ઉત્તમક્ષમા છે.
મોક્ષમાર્ગના પથિક સંતોને માટે આ ઉત્તમક્ષમા સાચી સહાયક છે અર્થાત્
તે સાધકની સહચરી છે. ક્રોધની ઉત્પત્તિ પોતાના સાધકભાવમાં બાધા
કરનારી છે, એમ સમજીને તેને દૂરથી જ છોડવો જોઈએ.