આશાનો ખાડો કેમ પૂરાય?
આત્મા અનંત ચૈતન્યસમૃદ્ધિથી ભરેલો છે; પરંતુ પોતાની અનંત આત્મસમૃદ્ધિને
ભૂલેલો જીવ જ્યારે બાહ્ય વિષયોની તૃષ્ણા કરે છે ત્યારે તે તૃષ્ણા પણ અનંત હોય છે.
એની તૃષ્ણાનો અનંતો ખાડો ગમે તેટલા બાહ્યવિષયોથી પૂરાતો નથી, માત્ર
સ્વાનુભવના અમૃતપાન વડે જ તે પૂરાય છે. વૈરાગ્યપ્રધાન આત્માનુશાસન ગ્રંથમાં
ગુણભદ્રસ્વામી કહે છે કે
आशागर्तः प्रतिप्राणि यस्मिन् विश्वमणूपमम्।
तत्कियत कियदायाति वृथा वै विषयैषिता।।
આ સંસારમાં પ્રત્યેક પ્રાણીના અંતરમાં આશારૂપી ખાડો એટલો ઊંડો છે કે તેની
પાસે આ આખુંય વિશ્વપણ માત્ર અણુ સમાન છે. આ પરિસ્થિતિમાં જો જીવો વચ્ચે
વિશ્વની વહેંચણી કરવામાં આવે તો દરેક જીવના ભાગમાં કેટલું–કેટલું આવે? આશા તો
અનંતી છે ને વિષયો તો થોડા જ છે; માટે વિષયોની આશા વ્યર્થ છે.
હે આત્મન્! તું અનાદિઅનંત
પૂર્ણસ્વભાવથી ભરેલો છે...વર્તમાન ક્ષણિકવૃત્તિ
જેટલો જ તું નથી, માટે ક્ષણિકવૃત્તિને વશ ન
થા...સહજ સ્વભાવને સ્મરીને ક્ષણિક વૃત્તિના
આવેગને તોડ. સહજ સ્વભાવની ભાવનામાં રત
થતાં તારા પરિણામ ઉપશાંત થશે...ને વૃત્તિનું વહન
અંતરમાં જશે.
હે જીવ! જગતની જંજાળમાં તું તારા
આત્માને ન ભૂલ. કષાયોને વશ થઇને તું તારી
આત્મ–શાંતિને ન ખો. પરભાવોના અભ્યાસમાં
અત્યાર સુધીનો વખત ગુમાવ્યો...હવે
પ્રસન્નતાપૂર્વક સ્વદ્રવ્યના અભ્યાસમાં તત્પર થા.
તારા હાથમાં જ તારું હિત છે.