જિનભક્તિ સહિત હોય તેવા જ્ઞાનને જ ખરેખર જ્ઞાન કહેવાય છે. અહા, જેમનાં
વચનથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તેમના પ્રત્યે જો પરમભક્તિ ન ઉલ્લસે તો ત્યાં
સમ્યક્ત્વની આરાધના ક્યાંથી હોય? જેના વચનથી સમ્યક્ત્વ થાય છે એવા દેવ–ગુરુ
પ્રત્યે પરમભક્તિ હોય છે, એવી ભક્તિ વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે.
વળી ચૈતન્યનું ભાન થતાં અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના વિષયોનો સ્વાદ
તૂચ્છ લાગે છે, એટલે સહેજે વિષયોથી વિરક્તિ થઈ જાય છે. જો ચેતન્યરસની
પરમપ્રીતિ અને વિષયોથી વિરક્તિ ન થાય તો તેણે જાણ્યું શું? –તેણે સંસાર અને
મોક્ષના કારણને કઈ રીતે જાણ્યા? વિષયો તો સંસારનું કારણ છે, ને વિષયોથી વિરક્તિ
કરીને ચૈતન્યસન્મુખ પ્રવૃત્તિ તે મોક્ષનું કારણ છે. જે જીવ સંસાર–મોક્ષના કારણને
ઓળખે છે તેને ચૈતન્યના આનંદના અનુભવની પ્રીતિ છે, ને વિષયોમાં આકુળતાનું
વેદન છે તેનાથી તે વિરક્ત થાય છે. અહા, ચૈતન્યનો પરમ શાંતરસ જેણે ચાખ્યો તેને
આકુળતાજનક વિષયોનો રસ કેમ રહે? આ રીતે સમ્યગ્દર્શન થતાં જ ચૈતન્યનો રસીલો
થઇને જગતના વિષયોથી વિરક્ત થાય છે, તેથી સમ્યક્ત્વ પણ મહાન શીલ છે. આવા
સમ્યક્ત્વરૂપી શીલસહિત હોય તે જ્ઞાન જ સમ્યગ્જ્ઞાન છે; જ્ઞાનની ને શાસ્ત્રને જાણવાની
મહત્તા તો સમ્યક્ત્વથી જ છે. સમ્યગ્દર્શન વગરના જ્ઞાનની કે શાસ્ત્રના જાણપણાની
કાંઈ બડાઇ નથી. અહા, સમ્યક્ત્વ સહિત અને વિષયોથી વિરક્ત એવું જે સમ્યગ્જ્ઞાન તે
સર્વ પ્રયોજનથી સિદ્ધિનું કારણ છે તેથી તે મહાન મહિમાવંત છે; આ રીતે સમ્યક્ત્વ
સહિતના જ્ઞાનનો જે મહિમા કર્યો તે જ મંગળ છે.