Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 45

background image
: કારતક : : ૩ :
એ મહાવીરનો જીવ, મરીચીનો અવતાર પૂરો કરીને બ્રહ્મસ્વર્ગનો દેવ થયો.
ત્યારબાદ મનુષ્ય અને દેવના કેટલાક ભવો કર્યા તેમાં મિથ્યામાર્ગનું સેવન ચાલુ રાખ્યું.
અંતે મિથ્યામાર્ગના તીવ્રસેવનના કુફળથી સમસ્ત અધોગતિમાં જન્મ ધારણ કરીકરીને,
ત્રસ–સ્થાવર પર્યાયોમાં અસંખ્યાત વર્ષો સુધી તીવ્ર દુઃખો ભોગવ્યા એ પરિભ્રમણ
કરીકરીને તે આત્મા બહુ જ થાકયો ને ખેદખિન્ન થયો.
અંતે, અસંખ્ય ભવોમાં રખડીરખડીને તે જીવ રાજગૃહીમાં એક બ્રાહ્મણપુત્ર થયો,
તે વેદવેદાંતમાં પારંગત હોવા છતાં સમ્યગ્દર્શન રહિત હતો તેથી તેનું જ્ઞાન ને તપ બધું
વ્યર્થ હતું. મિથ્યાત્વના સેવનપૂર્વક ત્યાંથી મરીને દેવ થયો, ને પછી રાજગૃહીમાં વિશ્વનંદી
નામનો રાજપુત્ર થયો અને ત્યાં માત્ર એક ઉપવન માટે સંસારની માયાજાળ દેખીને તે
વિરક્ત થયો ને સંભૂતસ્વામી પાસે જૈનદીક્ષા લીધી; ત્યાં નિદાનસહિત મરણ કરી
સ્વર્ગમાં ગયો, ને ત્યાંથી ભરતક્ષેત્રના પોદનપુર નગરમાં બાહુબલીસ્વામીની વંશ–
પરંપરામાં ત્રિપૃષ્ઠ નામનો અર્ધચક્રી (વાસુદેવ) થયો; અને તીવ્ર આરંભ–પરિગ્રહના
પરિણામ સહિત અતૃપ્તપણે મરીને ત્યાંથી સાતમી નરકે ગયો. અરે, એ નરકના ઘોર
દુઃખોની શી વાત! સંસારભ્રમણમાં ભમતા જીવે અજ્ઞાનથી કયા દુઃખ નહિ ભોગવ્યા
હોય!!!
મહા કષ્ટે અસંખ્યાત્ વર્ષની એ ઘોર નરકયાતનાનો ભોગવટો પૂર્ણ કરીને તે
જીવ ગંગાકિનારે સિંહગિરિ પર સિંહ થયો...પાછો ધગધગતા અગ્નિ જેવી પહેલી નરકે
ગયો...ને ત્યાંથી નીકળી જંબુદ્વીપના હિમવન્ પર્વત ઉપર દેદીપ્યમાન સિંહ થયો....
મહાવીરનો જીવ આ સિંહપર્યાયમાં આત્મલાભ પામ્યો. કઈ રીતે પામ્યો? તે પ્રસંગ
જોઈએ:
એકવાર તે સિંહ ક્રૂરપણે હરણને ફાડી ખાતો હતો ત્યાં આકાશમાર્ગે જઈ રહેલા
બે મુનિઓએ તેને દેખ્યો, ને ‘આ જીવ હોનહાર અંતિમ તીર્થંકર છે’ એવા વિદેહના
તીર્થંકરના વચનનું સ્મરણ કરીને, દયાવશ આકાશમાર્ગેથી નીચે ઊતરીને તે સિંહને
ધર્મનું સંબોધન કર્યું: હે ભવ્ય મૃગરાજ! આ પહેલાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેં ઘણા
વાંછિત વિષયો ભોગવ્યા ને નરકના અનેક પ્રકારના ઘોર દુઃખો પણ અશરણપણે
આક્રન્દ કરીકરીને તેં ભોગવ્યા, ત્યારે દશે દિશામાં શરણ માટે તેં પોકાર કર્યો પણ ક્્યાંય
તને શરણ ન મળ્‌યું. અરે! હજી પણ ક્રૂરતાપૂર્વક તું પાપનું ઉપાર્જન કરી રહ્યો છે? તારા
ઘોર અજ્ઞાનને લીધે હજી સુધી તેં તત્ત્વને ન જાણ્યું. માટે શાંત થા...