ક્્યાંય બહાર નથી, તારો પરમાત્મા તારામાં જ વસે છે, તેને અંતરમાં દેખ. અરે,
જે પરમાત્માને દેખતાં વેંત જ પૂર્વે કરેલા કર્મો ક્ષણભરમાં તૂટી જાય છે–એવો
પરમાત્મા પોતે જ છો.–એમાં કાંઈ ફેર નથી. જ્ઞાનને અંતરમાં સ્થિર કરવારૂપ જે
પરમનિર્વિકલ્પ સમાધિ તેના વડે પૂર્વે બાંધેલા સર્વે કર્મો ચૂર્ણ થઈ જાય છે. એટલે
અજ્ઞાનથી બંધાયેલાં કર્મો આત્મજ્ઞાનથી જ તૂટે છે. નિજસ્વરૂપને દેખ્યું ત્યાં કર્મનો
ભૂક્કો! સિંહની જ્યાં ગંધ આવે ત્યાં હરણીયાં ઊભાં ન રહે, તેમ ચૈતન્ય ભગવાન
શાર્દૂલસિંહ જ્યાં જ્ઞાનચક્ષુ ખોલીને જાગ્યો ત્યાં કર્મોરૂપી હરણીયાં ભાગ્યા.
આત્મામાં કર્મો કેવા? અહા, મારામાં જ પરમાત્મપદ ભર્યું છે–એમ જે દેખે તેને
જગતના ક્્યાં વિષયો કે ક્્યા વૈભવો લલચાવી શકે? પરમાત્મપદથી મોટું
જગતમાં કોણ છે કે તેને લલચાવે? પરમાત્મપદના અચિંત્ય આનંદવૈભવને
પોતામાં જેણે દેખ્યો તેના ચિત્તમાં જગતના કોઈ પદાર્થોનો મહિમા રહે નહિ.
પરમાત્મપદનો પ્રેમ જાગ્યો. ત્યાં જગતનો પ્રેમ રહે નહિ. હે જીવ! સંતો ફરીફરીને
કહે છે કે પરમાત્મા તારી પાસે જ છે, તેનો પ્રેમ કર. આવા શુદ્ધનયના બળથી રાગ
સાથેની એકતા તોડીને આત્મા સ્વસમયરૂપ પરિણમ્યો, તે જ મોક્ષમાર્ગ છે.
અનંતવાર તેં મનુષ્યઅવતાર કર્યા તેમાં તારા પિતા કેવળી થઈને મોક્ષ પામ્યા–એવા
અનંતા પિતા મોક્ષ પામ્યા; તે જ રીતે તારા અનંતા મનુષ્યઅવતારમાં અનંત પુત્રો
થયા ને તે પુત્રો તારી આજ્ઞા લઈલઈને મુનિ થવા ચાલ્યા ગયા ને મોક્ષ
પામ્યા....એવા અનંત પિતા ને અનંત પુત્રો મોક્ષ પામ્યા....તે સૌ આ રીતે
જ્ઞાનસ્વરૂપના અનુભવથી સ્વસમયરૂપ થઈને મોક્ષ પામ્યા છે. ને તું પણ એ જ
માર્ગે મોક્ષને સાધ....એ જ તારો સાચો વંશ છે. ચૈતન્યનો વંશવેલો તો એવો છે કે
તેમાંથી કેવળજ્ઞાન ને સિદ્ધપદ જ ફાલે. ચૈતન્યવેલમાંથી વિકાર ન ફાલે. અહા,
આવા જ્ઞાનસ્વરૂપને સાધીને મોક્ષ પામવો–એ અરિહંતોના ને સિદ્ધના વંશની ટેક છે.
ધર્મી કહે છે કે હું તો તીર્થંકરોના કૂળનો છું, એટલે જે માર્ગે તીર્થંકરો સંચર્યા તે જ
માર્ગને સાધવો તે મારી ટેક છે. તીર્થંકરોના કૂળની (સમકિતી સંતોની) આ ટેક છે
કે શુદ્ધનયવડે સ્વસન્મુખ થઈને આત્માને સાધે.