આવા આત્માને પ્રતીતમાં–અનુભવમાં લેવાની તાકાત જ્ઞાનની જ છે, રાગમાં તે
તાકાત નથી. જ્યાં જ્ઞાન શુદ્ધનયરૂપ પરિણમતું અંતરમાં વળ્યું ત્યાં સમસ્ત
પરદ્રવ્યોની ચિંતા અલોપ થઈ ગઈ, વિકલ્પો શમી ગયા, ને આનંદનું વેદન રહ્યું.
આવા સામર્થ્યવાળું જ્ઞાન તે આત્માનું લક્ષણ, તે આત્માનો ધર્મ ને તેમાં જ
આત્માની પ્રસિદ્ધિ.
ચૈતન્યસ્વભાવને જ મહાન સમજીને તેનું ધ્યાન કરે છે. એના ધ્યાન વડે જ અર્હંતપદ ને
સિદ્ધપદ પ્રગટે છે.
ચૈતન્યનિધાનને તું ભૂલ્યો. જગતમાં સારરૂપ તારો આત્મા છે; દેહને કર્મને કે વિકલ્પને
ન દેખ, એ બધાને દેખનારો કોણ છે? તેને દેખ. ચેતન્યમાં નમી નમીને જ જીવો
પરમાત્મા થયા છે. જગત જેને નમે એવા ગણધરાદિ પુરુષો પણ ચૈતન્યમાં જ નમ્યા છે.
અને એવો ચૈતન્યસ્વભાવ તારામાં છે, માટે તારામાં જ તું નમ; તારા આત્માને શ્રદ્ધા–
જ્ઞાનમાં લઈને તેને જ તું ધ્યાવ.–એના ધ્યાન વડે એક ક્ષણમાં કર્મબંધન તૂટી જશે, ને
તારું પરમાત્મસ્વરૂપ તને પ્રગટ દેખાશે.