Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 29

background image
: પોષ : : ૭ :
કેમ જોડાય?–કે બહારથી વિરક્ત થાય તો.–આ બંને એક સાથે છે; એકની અસ્તિ ત્યાં
બીજાની નાસ્તિ. સ્વભાવની પ્રીતિ જાગી ત્યાં ભવ–તન–ભોગથી વિરક્તિ થઈ. જગતથી
ઉદાસ થઈ, ચૈતન્યની પ્રીતિ કરીને તેને ધ્યાવતાં કોઈ પરમાનંદનો અનુભવ થાય છે ને
તુરત સંસારની વિષવેલ તૂટી જાય છે. સ્વભાવમાં તાકાત છે કે વિકારના વંશને નિર્વંશ
કરી નાંખે.
ભવ–ભોગ–તન–વૈરાગ્ય ધાર...
“ભવ તન ભોગ અનિત્ય વિચારા...ઈમ મન ધાર તપે તપ ધારા.”
અહા, તીર્થંકર જેવા પણ ભવ–તન–ભોગને અનિત્ય વિચારી, ક્ષણમાં છોડીને
ચૈતન્ય સ્વરૂપને સાધવા વનમાં સંચર્યા. તીર્થંકરો પણ ભવથી ડરીને એનાથી દૂર ભાગ્યા
ને એકાકી થઈ, અસંગ થઈ, વનમાં ચૈતન્યધ્યાનમાં મગ્ન થયા. માટે હે જીવ! ભવ–
તન–ભોગથી તું વિરક્ત થા...ને ચૈતન્યસ્વરૂપને ધ્યાવ.–એ જ સુખના અનુભવનો ઉપાય
છે.
આંખ ઉઘાડ...તને ભગવાન દેખાશે
આ શરીરને તો ‘ભવમૂર્તિ’ કહ્યું છે, એ તો ભવની મૂર્તિ છે ને ભગવાન આત્મા
મોક્ષનું ધામ છે. શરીર તો અશુચીધામ છે ને આત્મા પવિત્રધામ છે. શરીર તો
પરમાણુનો પૂંજ છે, ને આત્મા તો અનંત ગુણોનો પૂંજ પરમાત્મા છે.–આ રીતે આત્મા
દેહથી અત્યંત ભિન્ન છે. કોઈ કહે કે અમને દેહ વગરનો આત્મા દેખાડો? તો કહે છે કે
ભાઈ, અત્યારે જ દેહ વગરનો આત્મા અંતરમાં બિરાજી રહ્યો છે, પણ દેખવા માટે તું
તારી આંખ ઊઘાડ ત્યારે ને? સૂર્ય ઝળહળતો ઊગ્યો પણ આંધળો ક્્યાંથી દેખે? તેમ
આ દેહ જ્યાં છે ત્યાં જ આનંદમૂર્તિ આત્મા બિરાજી રહ્યો છે, પણ ધ્યાન વગર તે
દેખાતો નથી. ભાઈ, તારી ધ્યાનરૂપી આંખ ઊઘાડ ત્યાં તને ભગવાન દેખાશે દ્રષ્ટિ રાખે
શરીર ઉપર અને કહે કે આત્મા દેખાતો નથી;–પણ ક્્યાંથી દેખાય? આત્મા તરફ નજર
કરે તો દેખાય ને? એક વાર બહારથી નજર ફેરવીને અંતરમાં નજર કર તો પરમ
આદરણીય પરમાત્મા તારામાં જ એવો તને દેખાશે; બહાર જાયે તે નહિ દેખાય.
આરાધ્ય દેવનો અગાધ મહિમા
અરે, ચૈતન્ય દ્રવ્ય...તેના અગાધ મહિમાની જીવોને ખબર નથી. મહા પવિત્ર
અને આરાધવા યોગ્ય એવો આત્મદેવ પોતે જ છે. આત્મદેવની આરાધના કરતાં
પંચપરમેષ્ઠીપદ પ્રગટી જાય છે. પરમેષ્ઠીપદના ભંડાર ચૈતન્યમૂડીમાં ભર્યા છે, તેનો
ખ્યાલ આવે તો તેનો મહિમા આવે ને તેમાં એકાગ્રતા થાય...એટલે આનંદનું વેદન
પ્રગટે.