: વૈશાખ : આત્મધર્મ : ૩૭ :
સ્વાનુભૂતિમાં બધું સમાય છે
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીની
શુદ્ધતા સ્વાનુભૂતિ વડે પ્રગટે છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
સ્વાનુભૂતિમાં સમાય છે. સંતો અને
શાસ્ત્રો સ્વાનુભૂતિ કરવાનું ફરમાવે છે. જે
શાસ્ત્રો તરફ જ જોઈ રહે છે ને આત્મા
તરફ વળીને સ્વાનુભૂતિ કરતો નથી તેણે
શાસ્ત્રની આજ્ઞા માની નથી. જેણે
સ્વાનુભવ કર્યો તેણે સર્વે શાસ્ત્રોનું રહસ્ય
જાણી લીધું. આ રીતે સ્વાનુભૂતિમાં સર્વે
શાસ્ત્રોનું રહસ્ય સમાય છે.
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा।
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्य–
मेकोस्ति नित्यमवबोधधनः समन्तात्।।१३।।
અહો, આ સ્વાનુભૂતિ–તે જૈનશાસનનો મર્મ છે. જૈનશાસનનું રહસ્ય
સ્વાનુભૂતિમાં સમાય છે. મુનિવરોના અંતરમાં આવી સ્વાનુભૂતિનો પ્રવાહ વર્તે છે તે જ
મોક્ષમાર્ગ છે. સાથે જે મહાવ્રતનો શુભરાગ હોય તે કાંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગનો
ભાવ, ને રાગભાવ, એ બંને ભાવો જ જુદા છે; મોક્ષમાર્ગનો ભાવ તો સ્વાનુભૂતિમાં
સમાય છે ને રાગભાવ તો સ્વાનુભૂતિથી બહાર રહી જાય છે–આવી ભિન્નતા અનુભવ્યા
વિના મોક્ષમાર્ગ સાધી શકાય નહિ.
મોક્ષમાર્ગમાં આવશ્યકતા શેની?–કે સ્વાનુભૂતિની.
સ્વાનુભૂતિ વિના મોક્ષમાર્ગ હોતો નથી.
મોક્ષમાર્ગી જીવની વચ્ચે બીજા રાગાદિ ભાવો આવે ભલે, પણ તે બીજા ભાવો
આવશ્યક નથી, તેને આધીન મોક્ષમાર્ગ નથી; તે ભાવો ન હોય તો મોક્ષમાર્ગ અટકી
જાય એમ નથી. મોક્ષમાર્ગ સ્વાનુભૂતિને આધીન છે. જ્યાં સ્વાનુભૂતિ નથી ત્યાં
મોક્ષમાર્ગ નથી.