: ૬૮ : આત્મધર્મ : વૈશાખ :
* * *
ચૈત્ર સુદ ૧૩–૪–૬પ મંગળવાર: સવારમાં સીમંધરનાથના અને મહાવીર
ભગવાનના મંગલ દર્શન–પૂજન કરીને સોનગઢથી પ્રસ્થાન કરી ગુરુદેવ રાજકોટ
પધાર્યા.
ગુરુદેવ રાજકોટ શહેરમાં પધારતાં, મહાવીર ભગવાનની રથયાત્રા સહિત
ભવ્ય સ્વાગત થયું. કેસરી સાડીથી સજ્જ ૭૬ બહેનો ૭૬ મંગલ કલશ સહિત
સ્વાગતને શોભાવતા હતા. સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચન બાદ
મંગલાચરણમાં ભાવભીના રંગથી ગુરુદેવે કહ્યું કે હે જિનેશ્વરદેવ! આપના માર્ગનો
મને રંગ લાગ્યો, આપના કહેલા માર્ગને એટલે આપના જેવા શુદ્ધઆત્માને સાધવા
હું રંગથી જાગ્યો, તેમાં હવે ભંગ પડવાનો નથી; જેવા તીર્થંકરો છે તેવો જ હું છું–
એમ પ્રતીત કરીને શુદ્ધઆત્મા સિવાય બીજાને મનમાં લાવું નહિ, શુદ્ધઆત્મા
સિવાય બીજાનો પ્રેમ કરું નહિ–આવી અમારી ટેક છે. આમ ઓળખીને હે નાથ! હું
આપનું મંગલ–સ્વાગત કરું છું, હે અનંતા સિદ્ધભગવંતો! મારા જ્ઞાનમાં મોટા
સિદ્ધભગવંતોને પધરાવીને સ્વાગત કરું છું, એટલે કે જ્ઞાનને શુદ્ધઆત્મા તરફ
વાળીને આપનું સ્વાગત કરું છું. જુઓ, આમ શુદ્ધઆત્માની ધગશ કરીને તેનો
અનુભવ કરવો–એના જેવું મહાન કાર્ય જગતમાં બીજું કોઈ નથી.
ગુરુદેવનું ઉમંગભર્યું પ્રવચન, ને ભગવાનના સ્વાગતની ઉલ્લાસકારી વાત
સાંભળતાં હજારો શ્રોતાજનો આનંદિત બન્યા હતા. આ પ્રસંગે ગુરુદેવના ૭૬મા
જન્મોત્સવની તૈયારી તથા પંચકલ્યાણક મહોત્સવની તૈયારીથી ઉલ્લાસપૂર્ણ
વાતાવરણ પ્રસરી રહ્યું હતું. જિનમંદિરની બાજુમાં ભવ્ય સમવસરણ મંદિર બંધાઈ
રહ્યું છે ને સામે પ૪ ફૂટ ઊંચો રળિયામણો માનસ્થંભ છે. બંનેમાં શ્રી
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠાના ભવ્યમહોત્સવ માટે જિનમંદિરની સામે વિશાળ
સુસજ્જિત મંડપ ભવ્ય પ્રવેશદ્વાર સહિત શોભી રહ્યો છે: એનું નામ હતું
સીમંધરનગર.