: જેઠ: આત્મધર્મ :૧૩:
જ્ઞાનરૂપી સોળકળા થતાં સાદિઅનંત ટકી રહે છે. તે મંગળ છે. તેના કારણરૂપ
ભેદજ્ઞાનરૂપી બીજ પણ મંગળ છે.
આ ભેદજ્ઞાન તે ધર્મની અપૂર્વ ક્રિયા છે; તે જ ધર્મીનું કાર્ય છે, તેનો જ ધર્મી કર્તા
છે. આ ધર્મમાં કર્તા–કર્મ ને ક્રિયા અભિન્ન છે. ક્રિયાના ત્રણ પ્રકાર છે–દેહાદિની ક્રિયાઓ
તે જડની ક્રિયા, આત્માથી તદ્ન જુદી છે. પરની ક્રિયા મારી ને રાગાદિ ભાવો મારું
સ્વરૂપ–એવી જે મિથ્યાબુદ્ધિ તે જીવની વિકારી અશુદ્ધ ક્રિયા છે, તે અધર્મ છે. ને પરથી
તથા રાગાદિથી ભિન્ન નિજસ્વરૂપમાં અંતમુર્ખ પરિણતિ કરતાં જે શુદ્ધતાના અંશો પ્રગટે
તે ધર્મની ક્રિયા છે.
પ્રશ્ન:– અજ્ઞાનીજીવે ત્રણમાંથી કઈ ક્રિયા કરી છે?
ઉત્તર:– અજ્ઞાનીએ વિકારના કર્તાપણારૂપ એક અશુદ્ધ ક્રિયા જ અનાદિથી કરી
છે; જડની ક્રિયા તે કદી કરી શકતો નથી ને ધર્મની ક્રિયાને તે ઓળખતો નથી. ભાઈ,
તારી સાચી હિતની ક્રિયા તો આ ભેદજ્ઞાન કરવું તે છે. ભેદ પડીને ભાન થાય ને
પરિણતિ ફરે ત્યારે ધર્મ થાય.
પ્રશ્ન:– આવું ભેદજ્ઞાન કરવું તો કઠણ છે?
ઉત્તર:– ભાઈ, કઠણ છે પણ અશક્્ય તો નથી ને? પ્રયત્નવડે થઈ શકે તેવું છે.
માટે અંતર્મુખ અભ્યાસ વડે આવું ભેદજ્ઞાન થઈ શકે છે. કદી તેં સાચો અભ્યાસ અંતરમાં
કર્યો નથી. કઠણ વસ્તુ પણ અભ્યાસવડે સાધ્ય થઈ જાય છે. કઠણ પથરા પણ દોરીના
સતત ઘસારા વડે ઘસાય છે, તો ચૈતન્યતત્ત્વનો અનુભવ અત્યંત કઠિન હોવા છતાં,
સ્વાનુભવના સતત અભ્યાસ વડે તે અનુભવ થાય છે. પણ તે માટે બીજો પ્રેમ છૂટીને
ચૈતન્યનો પરમ પ્રેમ જાગવો જોઈએ.
જેને ચૈતન્ય સ્વભાવનો પ્રેમ નથી ને રાગાદિનો પ્રેમ છે તેને ચૈતન્ય ઉપર ક્રોધ
છે, પોતાના ઉપર જ પોતાને ક્રોધ છે. પોતાના સ્વભાવની અરુચિ એનું નામ ક્રોધ.
આવો ક્રોધ હોય ત્યાં તો ચૈતન્યનો અનુભવ ક્્યાંથી થાય? પણ જેણે રાગની રુચિ
છોડીને ચૈતન્યનો પ્રેમ પ્રગટ કર્યો તેને અંતરંગ અભ્યાસ વડે, અત્યંત દુર્લભ એવો
ચૈતન્ય અનુભવ પણ સુલભ થઈ જાય છે. ને આવો અનુભવ કરતો તે જ કરવા જેવું છે.
ભાઈ, મહિમા તો સ્વભાવનો હોય કે મહિમા વિકારનો હોય? સ્વભાવનો
મહિમા છે. તેના ખ્યાલ વગર તે કઠણ લાગે, પણ તે સ્વભાવનો મહિમા ખ્યાલમાં
આવતાં તે તરફનો પુરુષાર્થ ઊપડે છે. અને, અત્યંત કઠણ હોવા છતાં ઉગ્ર પ્રયત્નવડે તે
ભેદજ્ઞાન કરે છે. અનંત આત્માઓ આ રીતે ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે. આ કાંઈ
ન થઈ શકે એવું નથી. અપાર મહિમાવંત અને દુર્લભ છે–એ વાત સાચી, પણ સાચા
પુરુષાર્થ વડે ભેદજ્ઞાન કરતાં તેની પ્રાપ્તિ જરૂર થાય છે. કેમકે.
સર્વ જીવ છે સિદ્ધસમ
જે સમજે તે થાય.