: ૧૪: આત્મધર્મ :જેઠ:
સ્વભાવ સમજતાં સિદ્ધપણું પ્રગટવાનો પંથ હાથ આવે છે. પણ જે વિચાર જ ન
કરે, સમજવાની દરકાર જ ન કરે તેને અનુભવ ક્્યાંથી થાય? સમજણના ઉદ્યમ વડે
ભેદજ્ઞાન થતાં અંદર સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેની નિર્મળતાના અંશ સાથે
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આવો અનુભવ થતાં મોક્ષમાર્ગ શરૂ થયો. તે
અપૂર્વ ધર્મ છે ને તે જ અપૂર્વ મંગળ છે.
આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; તેને ભૂલીને અનાદિથી જે વિકારનો
અનુભવ છે તે અનુભવને ખરેખર ભગવાન ‘આત્મા’ કહેતા નથી. આત્મા તો તેને
કહેવાય કે જેના વેદનમાં અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે. જેના વેદનમાં
આનંદ ન આવે તેને આત્મા કેમ કહેવાય? શુદ્ધનય તો પરભાવોથી ભિન્ન ને આનંદના
અનુભવનશીલ આત્માને પ્રસિદ્ધ કરે છે.
આત્માના અતીન્દ્રિય સુખનું સ્વરૂપ સમજાવવા માટે ચારગતિમાં કોઈ દ્રષ્ટાંત
નથી; ચારગતિના વેદનથી ચૈતન્યસ્વભાવના અતીન્દ્રિય સુખનું વેદન કોઈ જુદી જાતનું
છે. આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે; કોઈ જીવને પોતાના પૂર્વભવના સંસ્કારો યાદ
આવતા જોવામાં આવે છે. પણ આત્માના આનંદનો અનુભવ તો તેના કરતાંય અંતરની
બીજી ચીજ છે. પૂર્વભવનું સ્મરણ થાય તે જુદી ચીજ છે ને સ્વભાવનો અનુભવ થાય તે
કોઈ જુદી ચીજ છે. પૂર્વભવનું સ્મરણ કોઈવાર અજ્ઞાનીને ય થાય છે, તેમાં અપૂર્વતા
નથી. અપૂર્વતા તો આત્મઅનુભવમાં છે. ધર્મીને જાતિસ્મરણ થાય તેમાં તો પૂર્વભવના
ધર્મના સંસ્કાર પણ તાજા થાય, ને વિશેષ જ્ઞાનવૈરાગ્યનું કારણ થાય. દેહથી ભિન્ન
ચૈતન્યના અનુભવપૂર્વક દેહથી ભિન્ન જીવન જીવતાં જેણે આવડયું તેને સમાધિમરણે
મરતાં આવડશે. જેણે દેહથી ભિન્ન ભેદજ્ઞાનમય જીવન જાણ્યું નથી તેને દેહ છૂટવા ટાણે
સમાધિમરણે મરતાંય નહીં આવડે. દેહમાં એકત્વબુદ્ધિને તો મૃતકકલેવરમાં મૂર્છા કહી છે;
દેહમાં મૂર્છાણો એને ચૈતન્યનું જીવન કેવું હોય એની ખબર નથી.
શ્રીફળમાં જેમ સફેદ અને મીઠો ગોળો છાલાંથી તથા કાચલીથી તેમજ રાતપથી
જુદો છે; તેમ ચૈતન્યગોળો દેહરૂપી છાલાથી જુદો, કર્મરૂપી કાચલીથી જુદો, ને રાગરૂપી
રાતપથી પણ જુદો, અતીન્દ્રિય આનંદથી ભરેલો છે. આવા ઉત્તમ આત્માને જાણવો તે
જ ઉત્તમ ફળ છે.
પ્રશ્ન:– આત્મા શુદ્ધ કઈ રીતે થાય?
ઉત્તર:– શુદ્ધસ્વભાવનો અનુભવ કરવાથી જીવ શુદ્ધતાને પામે છે. એ સિવાય
રાગદ્વારા આત્મા શુદ્ધતાને પામતો નથી. સ્વભાવને અનુભવનાર જ્ઞાની કહે છે કે અમે
જ્યાં ઊભા છીએ તેની જગતને ખબર નથી; અને જગત જે જુએ છે તેમાં અમે ઊભા
નથી; જગત બહુ તો બહારની ક્રિયાને કે રાગને જુએ છે, પણ તેમાં તો જ્ઞાનીને સ્વપણું
રહ્યું નથી, જ્ઞાનીને જેમાં સ્વપણું છે એવા શુદ્ધતત્ત્વને અજ્ઞાનીઓ જાણતા નથી. જ્ઞાનીની
પરિણતિ તો ચૈતન્યપ્રભુ સાથે પરણી, તે હવે બીજા કોઈ સાથે પ્રીતિ નહિ કરે. ચૈતન્યની
પ્રીતિ અને લગનીથી તેમાં લીન થઈને કેવળજ્ઞાન અને સિદ્ધપદ પામશે.