તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૧૨: વીર સં. ૨૪૯૧ આસો: October 1965
એકલો જાનેરે......
સર્વજ્ઞદેવે કહેલા આનંદદાયક એવા અમૃતપથરૂપ મોક્ષમાર્ગમાં સ્થિત
સમ્યગ્દ્રષ્ટિ કદાચ એક જ હોય તો તે એકલો પણ શોભનીક અને પ્રશંસનીક
છે. સમ્યગ્દ્રષ્ટિ ભલે કદાચ બહારની પ્રતિકૂળતા હોય તોપણ અંદરમાં એને
ચૈતન્યના આનંદની લહેર છે; પૂર્વકર્મનો પ્રતિકૂળ ઉદય તેને હલાવી શકતો
નથી. પ્રતિકૂળતાના ઉદય વચ્ચે પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગમાં શોભે છે.
માટે કહે છે કે હે જીવ! ભલે પાપ કર્મનો ઉદય હોય તો પણ તું સમ્યક્ત્વની
આરાધનામાં નિશ્ચલ રહે.....સમ્યક્ત્વ વડે એકલો એકલો તારા સ્વકાર્યને
સાધ. પાપકર્મનોઉદય હોય તેથી કાંઈ સમ્યક્ત્વની કિંમત ચાલી જાય નહિ,
ઉલટું પાપકર્મ તો નિર્જરતું જાય છે. જગતમાં ઊંધીદ્રષ્ટિવાળા બીજા ભલે
સાથ ન આપે તોપણ સમ્યગ્દ્રષ્ટિ એકલો એકલો મોક્ષના માર્ગમાં
આનંદપૂર્વક ચાલ્યો જાય છે. જેમ જંગલમાં વનનો રાજા સિંહ એકલો પણ
શોભે છે તેમ સંસારમાં ચૈતન્યનો રાજા સમ્યગ્દ્રષ્ટિ એકલો પણ શોભે છે.
માટે હે જીવ! જગતમાં કોઈનો સાથ ન હોય તોપણ સમ્યગ્દર્શન વડે
મોક્ષમાર્ગમાં એકલો એકલો ચાલ્યો જા.....
(આ વિષયને લગતું, સમ્યક્ત્વની વિરલતા બતાવવું ને તેની આરાધનાનો
ઉત્સાહ જગાડતું એક વિસ્તૃત પ્રવચન હવે પછીના અંકમાં વાંચશોજી.)
૨૬૪