Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 41

background image
: ૪ : આત્મધર્મ : આસો :
એ ચૈતન્યવસ્તુનો આસ્વાદ પરમ સુખકર છે. આત્માનો રસિક થાય તેને અપૂર્વ આનંદ
આવ્યા વિના રહે નહિ. દેડકું કે હાથી, સિંહ કે વાઘ, ગાય, કે બકરી નારકી, દેવો,
મનુષ્યો, ૮ વર્ષનાં બાળક કે મોટા વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, બધાય જીવોને કહે છે કે હમણાં જ
મોહને છોડીને શુદ્ધઆત્માને અનુભવો. આત્માના રસિક થાય તે બધાયથી આવો
અનુભવ થઈ શકે છે. ને જેને શુદ્ધજ્ઞાનસ્વરૂપ રુચ્યું તેને તેના પરમ આનંદનો સાક્ષાત્
સ્વાદ આવે છે. એકલો અનુમાનગોચર રહ્યા કરે ને સાક્ષાત્ અનુભવરૂપ ન થાય–એમ
નથી. એના રસિયા થવું જોઈએ. એનો રસિયો થઈને, એટલે જગતનો રસ છોડીને,
સ્વમાં એકત્વ કર ને પર સાથેનું એકત્વ છોડ, તત્ક્ષણ છોડ, એમ કરતાં તત્ક્ષણ તને
ચૈતન્યના પરમ આનંદનો સાક્ષાત્ અનુભવ થશે.
પ્રશ્ન:– આમ કરવાથી શું ફળ આવે? શું કાર્યસિદ્ધિ થાય?
ઉત્તર:– પ્રથમ તો મહાદુઃખદાયી એવા મોહનો ત્યાગ થાય છે, ને
જ્ઞાનાનંદસ્વરૂપના અપૂર્વસુખનો અનુભવ થાય છે.–આમ સુખની અસ્તિ ને મોહની
નાસ્તિ; અર્થાત્ આનંદની પ્રાપ્તિ ને મોહનો ત્યાગ–એવી કાર્યસિદ્ધિ થાય છે, આ ઉત્તમ
ફળ છે. વારંવાર આવા સ્વાનુભવનો અભ્યાસ કરતાં વિભાવપરિણામ કે કર્મનો સંબંધ
જીવ સાથે એક ક્ષણ પણ રહેશે નહિ, તે જીવથી ભિન્નપણે જ રહેશે. એકવાર
સ્વાનુભવથી એકત્વબુદ્ધિ છૂટી તે છૂટી, ફરીને કદી તેમાં એકત્વબુદ્ધિ થવાની નથી.
પરિણતિ પરભાવથી જુદી પડી તે પડી, હવે તે પરિણતિમાં રાગાદિ પરભાવો કે
કર્મબંધન કદી એકમેક થવાના નથી; એક સમય પણ આત્મામાં તે ટકશે નહિ, કોઈ
પ્રકારે આત્મા સાથે તેની એકતા થશે નહિ. જુઓ, આ સ્વાનુભવવડે કાર્યસિદ્ધિ થઈ;
હમણાં જ મોહનો નાશ કરીને આવી કાર્યસિદ્ધિ કરો.–આમ સ્વાનુભવની જોસદાર પ્રેરણા
આપી છે.
ધર્મીજીવને ભેદજ્ઞાન થયું, સ્વાનુભવ થયો ને મોહ તૂટયો,–હવે પરભાવો કદી
સ્વરૂપમાં પ્રવેશવાના નથી, પરભાવો સાથે કદી એકતા થવાની નથી; જ્ઞાન કદી રાગાદિ
સાથે તન્મય થવાનું નથી. જ્ઞાન સદાય જ્ઞાનપણે જ રહેશે, સ્વમાં જ સદા એકત્વ રહેશે.
પહેલાં અજ્ઞાનથી બંધકરણશીલ હતો, તેનાથી છૂટીને હવે સ્વભાવનો અનુભવનશીલ
થયો, તે ફરીને ક્ષણમાત્ર પણ બંધન સાથે એકત્વ પામે નહિ. સ્વાનુભવવડે મોહનો નાશ
થતાં આવી અપૂર્વ દશા ખીલી.