: આસો : આત્મધર્મ : પ :
સંતો ઊંઘતા જીવોને જગાડે છે
(સમયસાર કળશ ટીકા–પ્રવચનો)
*
આચાર્યદેવ ઊંઘતા જીવોને સંબોધન કરે છે કે અરે જીવો!
જાગો....તમારા ચૈતન્યનિધાનને દેખો. પરભાવોને નિજપદ માનીને
તે તરફ દોડી રહ્યા છો, પણ પાછા વળો...પાછો વળો...એ રાગાદિ
વિભાવમાં તમારું પદ નથી. તમારું પદ તો આ અત્યંત સુંદર
ચૈતન્યધામમય છે; આ તરફ આવો આ તરફ આવો. આ રીતે સન્તો
કરુણાપૂર્વક, પરભાવો તરફ વેગથી દોડી રહેલા પ્રાણીઓને
વાત્સલ્યની પુકાર કરીને પાછા વાળે છે ને નિજપદ દેખાડીને
સિદ્ધિના પંથે દોરી જાય છે.
પોતે સ્વાનુભવથી જે તત્ત્વ જાણ્યું તે તત્ત્વ દર્શાવતાં આચાર્યદેવ કહે છે કે હે
જીવો! અનાદિથી સ્વતત્ત્વને ભૂલીને મોહમાં સૂતા છો, હવે તો જાગો, ને તમારું
તત્ત્વ અંતરમાં અત્યંત શુદ્ધ છે તેને દેખો. આ શરીરાદિમાં કે રાગાદિ પરભાવમાં
તમારું નિજપદ નથી, તમારું નિજપદ તો શુદ્ધ ચૈતન્યધાતુમાં છે. સિદ્ધપદ
અંતરમાંથી પ્રગટે છે, કાંઈ બહારથી નથી આવતું. આવા સિદ્ધપદનો ધણી આત્મા
તેને ભૂલીને તમે રાગના ધણી થયા....શુદ્ધ આત્માને નહિ દેખનારા હે અંધ
પ્રાણીઓ! તમે મોહથી અંધ બનીને નિજ પદને ભૂલીને, પરભાવને જ નિજપદ
માનીને તેમાં લીન બન્યા છો, પણ એ પદ તમારું નથી,