: ૧૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
[૭૪] પ્રશ્ન:– ‘જિનપદ નિજપદ એકતા’ એટલે શું?
ઉત્તર:– ‘જિનપદ નિજપદ એકતા’ એમ કહીને આત્માનો પરમાર્થ સ્વભાવ
બતાવ્યો છે. પરમાર્થે અરિહંતના સ્વભાવમાં ને મારા આત્મામાં કોઈ
ફેર નથી–એમ જિન જેવા નિજસ્વભાવને જાણે તે ‘જિન’ થાય.
જીવને સમ્યગ્દર્શન થયું (અથવા સમ્યગ્દર્શન થવા માટેના
અપૂર્વકરણમાં પ્રવેશ્યો) ત્યાં તેને ‘જિન’ કહ્યો છે. સર્વજ્ઞ જેવા
આત્મસ્વભાવનો અનુભવ કરાવવો તે સર્વ શાસ્ત્રોનો સાર છે.
શ્રીમદ્રાજચંદ્રનું પૂરું પદ આ પ્રમાણે છે–
‘જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાયી.’
[૭પ] પ્રશ્ન:– આત્માને ‘પરમાત્મા’ કેમ કહ્યો છે?
ઉત્તર:– સર્વજ્ઞતારૂપ પરમ ઉત્કૃષ્ટ તેનો સ્વભાવ છે માટે તે પરમાત્મા છે.
[૭૬] પ્રશ્ન:– પરમાત્મા હોવા છતાં તે સંસારમાં કેમ ભટકે છે?
ઉત્તર:– પોતાના પરમાત્મસ્વભાવને ભૂલ્યો છે માટે.
[૭૭] પ્રશ્ન:– પરમ બ્રહ્મના જિજ્ઞાસુને અર્થાત્ મોક્ષના અભિલાષીને કાંઈ કાર્ય
કરવાનું રહે છે?
ઉત્તર:– હા, પોતાના સ્વભાવનું સમ્યક્ભાન અને તેમાં લીનતાં, અર્થાત્
સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય, એ દરેક જિજ્ઞાસુનું કર્તવ્ય છે.
નિયમસારમાં કુંદકુંદસ્વામીએ કહ્યું છે કે મોક્ષને માટે શુદ્ધરત્નત્રય તે
નિયમથી કર્તવ્ય છે. શુદ્ધરત્નત્રય તે જ્ઞાનભાવમય છે, તે જ ધર્મીનું
કાર્ય છે. અને આવા પોતાના જ્ઞાનભાવરૂપ કાર્ય સિવાય અન્ય
સમસ્ત ભાવોમાં તેને અકર્તાપણું છે. –આ પરમબ્રહ્મની એટલે કે
કેવળજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે.