Atmadharma magazine - Ank 266-267
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 73

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
જેને ધ્યાવતાં પરમ આનંદની સ્ફુરણા થાય–એવું તત્ત્વ મોક્ષનું કારણ છે, તેને જ
તું શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં સેવ, એને જ આદર. ધર્મી જીવોનાં ટોળેટોળાં આવા
આત્માને સેવી સેવીને મોક્ષને સાધી રહ્યાં છે. તારે એ સાધક જીવોના સંઘમાં ભળવું
હોય તો તું પણ એવા આત્માને જાણીને તેનું જ સેવન કર.
ધર્મી જીવોનો સંઘ આવા આત્માનું સેવન કરતો કરતો શિવપુરીના પંથે ચાલ્યો
જાય છે. તું પણ એવા જ આત્માનો આદર કરીને એ સંઘની સાથે ભળી જા.
ચાર સંઘના નાયક સીમંધરપરમાત્મા વર્તમાનમાં વિદેહક્ષેત્રે બિરાજે છે, તેઓ
આ રીતે માર્ગ ફરમાવે છે કે શુદ્ધાત્માનું સેવન તે જ અનવરત મોક્ષમાર્ગ છે. ત્યાં મુનિ–
આર્યિકા–શ્રાવક ને શ્રાવિકા એ ચારે સંઘ એ માર્ગના સેવનથી મોક્ષને સાધી રહ્યા છે;
સન્તો એ જ માર્ગ અહીં પ્રકાશી રહ્યા છે ને ધર્માત્માઓ તેને સાધી રહ્યા છે. શુદ્ધાત્માની
આરાધનારૂપ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
જેમ શેરડી ચૂસે ને મીઠો રસ આવે, તેમ ધર્માત્માએ શુદ્ધાત્મા ચૂસવાયોગ્ય છે,
તેને ચૂસતાં પરમઆનંદરસના શેરડા છૂટે છે. એ પરમ શુદ્ધઆત્મતત્ત્વ ધર્મીને અંતરના
ધ્યાનમાં પ્રગટે છે, બહિર્મુખ કોઈ ભાવથી એ તત્ત્વ પ્રગટતું નથી. વિકારીભાવો તો એના
વેરી છે, તો તે વિકારના ધ્યાનમાં એ પરમતત્ત્વ કેમ પ્રગટે? રાગ વગરનું જે શાંત–
નિર્વિકલ્પ ધ્યાન તેમાં જ પરમાત્મતત્ત્વ આનંદસહિત પ્રગટે છે. એ જ મોક્ષનું કારણ છે.
આવા પરમાત્મતત્ત્વને ઉપાદેય જાણીને અંતરમાં ધ્યાવતાં કેવળજ્ઞાન ને પરમ
આનંદની રચના થાય છે. અને એને ભૂલીને અજ્ઞાની જીવ પોતાની પર્યાયમાં ત્રસ–
સ્થાવર પર્યાયોરૂપ સંસારની રચના કરે છે. ત્રસ–સ્થાવર જીવોનો ઉત્પાદક કે રચનાર
કોઈ બીજો ઈશ્વર નથી, પણ આ આત્મા પોતે જ પોતાના પરમાત્મસ્વરૂપને ભૂલીને,
રાગદ્વેષ–મોહવડે પોતાની પર્યાયમાં ત્રસ–સ્થાવર પર્યાયોને રચે છે, તેથી તે જ ત્રસ–
સ્થાવરનો ઉત્પાદક છે. ને જ્યાં અંતર્મુખ સ્વભાવનો અપાર મહિમા સન્તોની પાસેથી
સાંભળતાં તેને નિર્વિકલ્પધ્યાનમાં ઉપાદેય કર્યો ત્યાં ભવભ્રમણ ટળ્‌યું ને પરમાત્મપદ
ખીલ્યું. અહો, મોક્ષના–કારણરૂપ આવું ઉપાદેય તત્ત્વ સંતોએ પરમ અનુગ્રહથી બતાવ્યું
છે. હે જીવ આવા તત્ત્વને પરમ ઉલ્લાસથી તું સેવ, ને સંતોની સાથે શિવપુરીના સંઘમાં
ચાલ્યો જા...