: ૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
મારું જ્ઞાન
[પરમાત્મપ્રકાશ ગાથા (પર) ઉપર પ્રવચન]
અહો, જ્ઞાનસ્વરૂપની ભાવના ભાવે તો તેમાં ક્્યાં દુઃખ છે?
જ્ઞાનને તો આનંદની સાથે તન્મયતા છે, પણ જ્ઞાનને દુઃખ સાથે
તન્મયતા નથી. જ્ઞાનમાં દુઃખનો પ્રવેશ જ નથી. આવું જ્ઞાન તે જ હું છું
એવું સ્વસંવેદન કરતાં પરમ આનંદ સ્ફૂરે છે.
આ આત્મા દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે; એટલે દેહ આત્માનો નથી, આત્માનું તો
‘જ્ઞાન’ છે. જ્ઞાનમાં આત્મા તન્મય છે. ‘જ્ઞાન’ કહેતાં જ્ઞાન સાથે આનંદ આત્માનું
સ્વરૂપ છે, પણ ‘જ્ઞાન’ કહેતાં તેમાં કાંઈ ભેગો રાગ નથી આવતો. રાગ આત્માનું ખરૂં
સ્વરૂપ નથી, જ્ઞાન જ આત્માનું તન્મય સ્વરૂપ છે.
જ્ઞાનમાં તન્મય રહીને આત્મા પરને જાણે છે, પણ કાંઈ પરમાં તન્મય થતો
નથી. પરને જાણતાં પરમાં તન્મય થઈ જતો હોય તો તો પરનાં સુખદુઃખની પણ વેદના
આત્માને થાય; ને નરકનાં દુઃખોને જાણતાં કેવળી ભગવાન પણ દુઃખી થઈ જાય.–પણ
એમ નથી. કેવળજ્ઞાની પ્રભુ તો પોતાના અતીન્દ્રિય–આનંદમાં જ તન્મય રહીને વિશ્વને
જાણે છે. જ્ઞાન, પોતાના આનંદમાં તન્મય છે પણ પરમાં તન્મય નથી, સંયોગમાં તન્મય
નથી, રાગમાં તન્મય નથી.
નારકીનો જીવ પણ ત્યાંના સંયોગમાં તન્મય નથી એટલે તેને ત્યાંના સંયોગનું
કાંઈ દુઃખ નથી પણ પોતાના રાગ–દ્વેષનું જ દુઃખ છે. ધર્મી જાણે છે કે હું તો જ્ઞાન છું,
મારું તો જ્ઞાન જ છે; સંયોગ મારો નથી, દેહ મારો નથી, ને રાગ પણ મારો નથી. એમ
બધાથી જુદાપણે હું મારા જ્ઞાનમાં જ તન્મય છું. જ્ઞાનનો મને કદી વિયોગ નથી. બધા
સંયોગથી ને રાગથી જુદા રહીને તેને જાણવાની મારી તાકાત છે; જ્ઞાન સાથે આનંદની
તન્મયતા છે, પણ પરની તન્મયતા નથી. પરનું વેદન મારા જ્ઞાનમાં નથી, એટલે પરના
સુખ–દુઃખનું વેદન મને નથી. હું તો જ્ઞાન છું, મારું તો જ્ઞાન છે.–એમ ધર્મીજીવ પોતાને
જ્ઞાનપણે જ અનુભવે છે.
અહો! જ્ઞાનસ્વરૂપની ભાવના ભાવે–તો તેમાં ક્્યાં દુઃખ છે? જ્ઞાનમાં દુઃખનો
પ્રવેશ જ નથી. જ્ઞાનની સીમામાં પરનો કે દુઃખનો પ્રવેશ નથી.