: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
કેવળજ્ઞાન એવડું મોટું થયું કે લોકાલોક તેમાં જ્ઞેય થયા, છતાં તે કેવળજ્ઞાનની સીમામાં પરનો
એક કણિયો પણ આવ્યો નથી. તે જ્ઞાન લોકાલોકથી ભિન્ન છે, પણ પોતાના આનંદાદિ
સ્વભાવથી અભિન્ન છે. પરને તો તન્મય થયા વગર જાણે છે, પણ પોતાના આનંદને તો
તન્મય થઈને જાણે છે. પોતાના આનંદને જાણતાં આનંદથી જુદું રહે નહિ.–આમ અતીન્દ્રિય
આનંદ સાથે જ્ઞાનને તન્મયપણું છે; આવું જ્ઞાન જ મારું ‘સ્વ’ છે; જ્ઞાનથી ભિન્ન બીજું કાંઈ
મારું સ્વ નથી.
જ્ઞાનની નજીકમાં શરીરની ક્રિયા કે રાગ દેખાય ત્યાં જ્ઞાન તેમાં તન્મય થયા વગર
તેને જાણનારું છે. પણ અજ્ઞાનીને ભ્રમણા થાય છે કે મારા જ્ઞાનમાં આ રાગાદિ આવી ગયા.–
તેને જ્ઞાનની સત્તા જુદી ભાસતી નથી. રાગ સાથે તન્મય થઈને જાણવા જાય તો તે જ્ઞાન
આનંદ સાથે તન્મય રહેતું નથી.
* જીવતત્ત્વ તો જ્ઞાનમય છે.
* રાગાદિક તો આસ્રવતત્ત્વ છે.
* દેહની ક્રિયા તો અજીવતત્ત્વ છે.
–એમ ત્રણ તત્ત્વો ભિન્નભિન્ન છે. ત્યાં ભિન્નપણું ભૂલીને તન્મયપણે જાણવા જાય છે
તેનું જ્ઞાન મિથ્યા થાય છે. દેહનું ને રાગનું ‘જ્ઞાન’ પોતાનું છે, પણ દેહ કે રાગ પોતાનાં નથી.
જ્ઞાન જો રાગને જાણતાં રાગમય થાય કે દેહને જાણતાં દેહમય થાય તો જીવ–આસ્રવ ને
અજીવ ત્રણે તત્ત્વો જુદા રહેતાં નથી, જીવની પોતાની જાણવાની તાકાત કેવી છે એની પણ
અજ્ઞાનીને ખબર નથી.
જ્ઞાનની તન્મયતામાં આનંદ છે, પ્રભુતા છે, સ્વપરપ્રકાશકતા છે, પણ તે જ્ઞાનમાં પર નથી,
વિકાર નથી. જ્ઞાન અને પરજ્ઞેયની ભિન્નતા છે, ને આનંદ વગેરે સ્વજ્ઞેય સાથે જ્ઞાનની અભિન્નતા
છે. આનંદ સાથે ઉપયોગનું તન્મયપણું થયા વગર અતીન્દ્રિય આનંદનું વેદન થાય નહિ.
અરે જીવ! આ તારા ઘરની, તારા સ્વભાવની વાત સન્તો તને દેખાડે છે. જ્ઞાન તારું
છે તેને તું જાણ, તે જ્ઞાન ઉપાદેયરૂપ સુખથી ભરપૂર છે. સુખ સાથે તન્મય આવા તારા જ્ઞાનને
જ તું ઉપાદેય જાણ. ‘મારું જ્ઞાન છે’ એમ જ્ઞાનપણે આત્માને અનુભવમાં લે.
જ્ઞાન પરને જાણતાં નિજભાવને છોડીને પરમાં જતું નથી, કે પર ભાવના અંશનેય
પોતામાં લાવતું નથી. પોતાના અસ્તિત્વમાં રહીને સ્વ–પરપ્રકાશકભાવે જ્ઞાન પરિણમે છે.
જ્ઞાનની સત્તામાં આનંદ છે, પણ જ્ઞાનની સત્તામાં જડ નથી, જ્ઞાનની સત્તામાં વિકાર નથી.
આનંદ સાથે જેને જુદાઈ નથી એવું નિજજ્ઞાન જ અનુભવવા યોગ્ય છે–એમ જાણવું. આવા
જ્ઞાનને પોતે અનુભવમાં લ્યે ત્યારે કેવળી પ્રભુના પૂર્ણ જ્ઞાનની ને પૂર્ણ આનંદની ખબર પડે.
એ ઈન્દ્રિયાતીત જ્ઞાન પરમ આનંદરસમાં તરબોળ છે. આવું જ્ઞાન નિજસ્વભાવના પરમ
મહિમાથી ભરેલું છે. –આવું મારું જ્ઞાન છે, તે જ હું છું. આમ જાણનાર થઈને જાણનારને
જાણતાં પરમ આનંદ થાય છે. –આવા આનંદમય જ્ઞાનનો અનુભવ કરો–એમ સન્તોનો
ઉપદેશ અને આશીર્વાદ છે.