: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
(આત્મધર્મની સહેલી લેખમાળા: લેખ નં. ૩૪ અંક ૨૬૬ થી ચાલુ)
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. અષાડ વદ ત્રીજ: ગાથા ૬૨)
જીવ શરીરાદિકમાં જ્યાંસુધી આત્મબુદ્ધિથી પ્રવૃીત્ત કરે છે ત્યાં સુધી જ સંસાર છે,
અને ભેદજ્ઞાન થતાં તે પ્રવૃત્તિ મટી જાય છે ને મુક્તિની પ્રાપ્તિ થાય છે–એમ હવે કહે છે–
स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम्।
संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निवृत्तिः।।६२।।
કાય, વચન ને મન એ ત્રણે હું છું–એમ જ્યાંસુધી સ્વબુદ્ધિથી જીવ તેને ગ્રહણ કરે
છે ત્યાંસુધી તે મિથ્યાબુદ્ધિને લીધે તેને સંસાર છે. જ્ઞાનસ્વરૂપ હું છું ને શરીરાદિ મારાથી
જુદા છે–એવા ભેદજ્ઞાનપૂર્વક ભેદના અભ્યાસથી સંસારની નિવૃત્તિ થાય છે.
હું જ્ઞાતા ચિદાનંદસ્વરૂપ છું–એમ જે પોતાના આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં ગ્રહણ
કરતો નથી, ને શરીર–મન–વચન હું એમ ગ્રહણ કરે છે તે મૂઢ જીવ બહિરાત્મા છે;
જ્યાંસુધી શરીરાદિને આત્મબુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યાં સુધી જ સંસાર છે. અને હું તો
ચિદાનંદ જ્ઞાનમૂર્તિ છું, શરીર–મન–વચન હું નથી, તે મારાથી ભિન્ન છે–એવા ભેદના
અભ્યાસથી સંસારની નિવૃત્તિ થાય છે.
જડ સાથે એકત્વબુદ્ધિ તે સંસારનું કારણ છે; અને ભેદજ્ઞાનનો અભ્યાસ એટલે કે
દેહાદિથી અત્યંત ભિન્ન એવા ચૈતન્યતત્ત્વની વારંવાર ભાવના–તે મુક્તિનો ઉપાય છે.
ભેદજ્ઞાનથી જ મોક્ષના ઉપાયની શરૂઆત થાય છે, ને પછી પણ ભેદજ્ઞાનની ભાવનાથી
જ મુક્તિ થાય છે.
નિયમસારમાં કહે છે કે–“આવો ભેદનો અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે,
તેથી ચારિત્ર થાય છે.” ભેદજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. સમયસારમાં પણ કહ્યું છે કે–જે
કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, ને જે કોઈ જીવો બંધાયા
છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. માટે–