Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 55

background image
: ૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
આનંદની ધારા વહે છે. અહા, અનુભવના આનંદની જગતના બાહ્યવિષયોમાં ગંધ પણ
નથી. આવા આનંદનો અનુભવ જેને થાય તેને મોક્ષમાર્ગ થયો કહેવાય. મોક્ષમાર્ગ કહો
કે આનંદનો અનુભવ કહો.
‘આનંદ’ માં મોક્ષમાર્ગ સમાય છે, ‘દુઃખ’ માં બંધમાર્ગ સમાય છે.
મોક્ષમાર્ગ તો આનંદના વેદનરૂપ છે, બંધમાર્ગ તો દુઃખરૂપ છે.
પૂર્ણઆનંદસ્વરૂપ મોક્ષ, તેના કારણરૂપ જે મોક્ષમાર્ગ છે તે પણ આનંદરૂપ છે.
સંસાર દુઃખરૂપ છે, તેના કારણરૂપ ભાવ પણ દુઃખરૂપ છે. મોક્ષમાર્ગી મુનિવરો મહા
આનંદરૂપ છે, આનંદને અનુભવતા અનુભવતા તેઓ મોક્ષમાં ચાલ્યા જાય
છે.....આનંદમાં રમતા રમતા મોક્ષને સાધે છે. એ મુનિપણામાં દુઃખ નથી. મુનિપણામાં
જેને દુઃખ લાગે તેણે મોક્ષમાર્ગને જાણ્યો નથી. મુનિપણું એટલે તો છૂટકારાનો માર્ગ,
એમાં તે દુઃખ હોય કે સુખ? અતીન્દ્રિય સુખમાં જે ઝુલે એનું નામ મુનિ છે. મુનિ તો
અનંતસુખના ધામ એવા નિજાત્મામાં લીન થઈને આનંદના ઝરણાંને પીએ છે.
દુઃખ તો મોહનું છે; જેને મોહ નથી તેને દુઃખ કેવું? નિર્મોહી જીવ સુખી છે.
મુનિઓને તો કેટલું દુઃખ?–એમ અજ્ઞાનીને લાગે છે, કેમકે એને પોતાને સંયોગમાં
સુખબુદ્ધિ છે, એટલે સંયોગ વગરના મુનિ જાણે દુઃખી હશે એમ એને લાગે છે. એણે
નથી તો મુનિને ઓળખ્યા, કે નથી મોક્ષમાર્ગને જાણ્યો. અરે ભાઈ, વિષયો તરફની
મૃગતૃષ્ણાવાળા જીવો તો મોહાગ્નિમાં બળી રહ્યા છે, તે તો દુઃખી છે ને મુનિવરો બાહ્ય
સામગ્રી વગર પણ નિજસ્વરૂપના નિરાકૂળ આનંદને વેદી રહ્યા છે, સુખના દરિયામાં
ડૂબકી મારી છે, એના જેવું સુખી આ જગતમાં બીજું કોઈ નથી.
પોતાના સ્વરૂપમાં જે આનંદ ભર્યો છે તેને જ્યાંસુધી ન પહોંચી વળે ત્યાંસુધી
જીવને સુખી કેમ કહેવાય? સુખ જેણે જોયું નથી, આનંદસ્વભાવ જેણે અવલોક્્યો નથી
તેને સુખ કે આનંદ ક્્યાંથી થાય? એને મોક્ષમાર્ગ ક્યાંથી પ્રગટે? અનુકૂળ સંયોગવડે હું
સુખી છું એમ જે માને છે તે જીવ પોતાના સુખસ્વભાવનો અનાદર કરે છે; સંયોગથી હું
સુખી એનો અર્થ એ કે મારામાં સુખ નથી,–આવી બુદ્ધિવાળા જીવને આત્માનું સુખ કદી
મળે નહિ, તે સુખને માટે બાહ્યવિષયોમાં ઝાવાં નાખ્યા કરે ને દુઃખી જ થયા કરે સુખી
તો ત્યારે જ થાય કે બાહ્યવિષયોથી વિમુખ થઈને આત્મસ્વરૂપમાં ઊતરે.
ભાઈ, તારે સુખી થવું હોય તો તારા જ્ઞાનમાં પરમાત્માને વસાવ; તારા જ્ઞાનમાં
બાહ્યવિષયોને ન વસાવ. આનંદ તો તારું સ્વરૂપ છે, એમાં વિષયોની જરૂર ક્યાં છે?