: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૧પ)
(૨૧૧) ચારિત્ર
અહા, ચારિત્રદશા તો પૂજ્ય છે, ચારિત્ર તો આત્માનો વૈભવ છે, તે ચારિત્ર તો
સાક્ષાત્ કેવળજ્ઞાનને બોલાવે છે. ચારિત્રદશામાં તો ઘણો અતીન્દ્રિય આનંદ છે. ચારિત્રવંત
મુનિ એ તો સિદ્ધના અને અરિહંતોના એકદમ નજીકના પાડોશી છે. રાગની પરિણતિથી
દૂર થઈને નિજસ્વરૂપના અનંતગુણના વેદનમાં જે ઠર્યા છે–એવા મુનિને ચારિત્રદશા હોય
છે. અહા, આવા ચારિત્રવંત મુનિના દર્શન થાય તો એમનાં ચરણો સેવીએ. ને એમના
શ્રીમુખેથી શુદ્ધાત્માના વૈભવની વાત સાંભળીએ, વિદેહ ક્ષેત્રમાં તો એવા ઘણા મુનિવરો
અત્યારે વિચરી રહ્યા છે, પણ અહીં એનાં દર્શન દુર્લભ થઈ ગયા છે.
(૨૧૨) તારું શુદ્ધતત્ત્વ, તેને ઉપાદેય કર,
હે જીવ!
* આ શરીર તો ધૂળ છે. તે તારા તત્ત્વમાં નથી.
* કર્મ પણ ઝીણી ધૂળ છે, તે તારા તત્ત્વમાં નથી.
* રાગાદિ ભાવો તે મેલ છે, તે પણ તારા શુદ્ધતત્ત્વમાં નથી.
* તારું શુદ્ધતત્ત્વ શરીર વગરનું કર્મ વગરનું, રાગ વગરનું, પરમ જ્ઞાન
ને આનંદમય છે. આવા તારા શુદ્ધ તત્ત્વને જ તું ઉપાદેય જાણ.
શુદ્ધતત્ત્વને સ્વાનુભવદ્વારા ઉપાદેય કરતાં તારા રાગાદિ મેલ ટળી જશે.
ને શરીરનો તથા કર્મનો સંબંધ છૂટી જશે. પરમ આનંદમય અને કેવળજ્ઞાનમય એવી
પરમાત્મદશા તને પ્રગટશે.
(૨૧૩) આરાધ્યની આરાધના.
આરાધ્ય શુદ્ધ આત્મદ્રવ્ય,
આરાધના કરનારી શુદ્ધપર્યાય.