Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 40

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
ભગવાન દર્શનની જેમ મુનિવરો પ્રત્યે પણ ધર્મીને પરમ ભક્તિ હોય. ભરત
ચક્રવર્તી જેવા પણ મહાન આદરપૂર્વક ભક્તિથી મુનિઓને આહારદાન દેતા, ને પોતાના
આંગણે મુનિ પધારે ત્યારે પોતાને ધન્ય માનતા. અહા! મોક્ષમાર્ગી મુનિના દર્શન પણ
ક્યાંથી!! એ તો ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી! મુનિના વિરહે મોટા ધર્માત્માઓ પ્રત્યે પણ
એવો બહુમાનનો ભાવ આવે કે અહો ધનભાગ્ય, મારા આંગણે ધર્માત્માનાં પગલાં
થયાં! આવા ધર્મના ઉલ્લાસથી ધર્મીશ્રાવક મોક્ષમાર્ગને સાધે છે; ને જેને ધર્મનો આવો
પ્રેમ નથી તે સંસારમાં ડૂબે છે.
કોઈ કહે મૂર્તિ તો પાષાણની છે! પણ ભાઈ, એમાં જ્ઞાનબળે પરમાત્માનો
નિક્ષેપ કર્યો છે કે ‘આ પરમાત્મા છે.’ એ નિક્ષેપની ના પાડવી તે જ્ઞાનની જ ના પાડવા
જેવું છે. જિનબિંબદર્શનને તો સમ્યગ્દર્શનનું નિમિત્ત ગણ્યું છે, તે નિમિત્તનો પણ જે
નિષેધ કરે તેને સમ્યગ્દર્શનની ખબર નથી. સમન્તભદ્રસ્વામી તો કહે છે કે હે જિન!
અમને તારી સ્તુતિનું વ્યસન પડી ગયું છે. જેમ વ્યસની મનુષ્ય પોતાના વ્યસનની વસ્તુ
વગર રહી શકતો નથી તેમ સર્વજ્ઞના ભક્તોને સ્તુતિનું વ્યસન છે એટલે ભગવાનની
સ્તુતિ–ગુણગાન વગર તે રહી શકતા નથી. ધર્માત્માના હૃદયમાં સર્વજ્ઞદેવના ગુણગાન
કોતરાઈ ગયા છે. અહા! સાક્ષાત્ ભગવાનને દેખવાનું મળે એ તો બલિહારી છે
કુંદકુંદાચાર્ય જેવાએ વિદેહમાં જઈને સીમંધરનાથને સાક્ષાત્ દેખ્યા એમની તો શી વાત!
અત્યારે તો અહીં એવો કાળ નથી. અરે, તીર્થંકરનો વિરહ, કેવળીઓનો વિરહ, મોટા
સંતમુનિઓનો પણ વિરહ, એવા કાળે જિનપ્રતિમાના દર્શન વડે પણ ધર્મી જીવ
ભગવાનનું સ્વરૂપ યાદ કરે છે.
આ રીતે વીતરાગ જિનમુદ્રા જોવામાં જેને હોંશ ન આવે તે જીવ સંસારની તીવ્ર
રુચિને લીધે ભવના દરિયામાં ડુબવાનો છે. વીતરાગનો ભક્ત તો વીતરાગદેવનું નામ
સાંભળતાં ને દર્શન કરતાં હર્ષિત થઈ જાય. જેમ સારા વિનયવંત પુત્રો રોજ સવારમાં
માતા–પિતા પાસે જઈને વિવેકથી પગે લાગે છે, તેમ ધર્મી જીવ પ્રભુ પાસે બાળક જેવા
થઈને વિનયથી રોજે રોજ ધર્મપિતા–જિનેન્દ્ર ભગવાનનાં દર્શન કરે છે, સ્તુતિ પૂજા કરે
છે; મુનિવરોને ભક્તિથી આહાર દાન કરે છે. આવા વીતરાગી દેવ–ગુરુની ભક્તિ
વગરનો જીવ મિથ્યાત્વની નાવમાં બેસીને ચારગતિના સમુ઼દ્રમાં ડુબે છે ને મોંઘા મનુષ્ય
જીવનને નષ્ટ કરી નાખે છે. માટે ધર્મના પ્રેમી જીવે દેવ–ગુરુની ભક્તિના કાર્યોમાં હંમેશા
પોતાના ધનનો અને જીવનનો સદુપયોગ કરવો–એમ ઉપદેશ છે.