: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
અરે ભાઈ! તને આત્માનાં તો દર્શન કરતાં ન આવડે ને આત્માનું સ્વરૂપ દેખવા
માટે દર્પણ સમાન એવા જિનદેવનાં દર્શન પણ તું નથી કરતો, તો તું ક્્યાં જઈશ બાપુ!
જિનેન્દ્રભગવાનનાં દર્શન–પૂજન પણ ન કર ને તું તને જૈન કહેવડાવ,–એ તારું જૈનપણું
કેવું? જે ઘરમાં રોજરોજ ભક્તિપૂર્વક દેવ–ગુરુનાં દર્શન–પૂજન થાય છે, મુનિવરો વગેરે
ધર્માત્માને આદરપૂર્વક દાન દેવાય છે–તે ઘર ધન્ય છે; અને એના વગરનું ઘર તો
સ્મશાનતૂલ્ય છે. અરે! વીતરાગી સન્ત આથી વિશેષ શું કહે? એવા ધર્મ વગરના
ગૃહસ્થાશ્રમને તો હે ભાઈ! દરિયાના ઊંડા પાણીમાં તિલાંજલિ દઈ દેજે!–નહિતર એ
તને ડુબાડશે!
ધર્મી જીવ રોજ–રોજ જિનેન્દ્રભગવાનના દર્શનાદિ કરે છે. જેમ સંસારના રાગી
જીવો સ્ત્રી– પુત્રાદિના મોઢાંને કે ફોટાને પ્રેમથી જુએ છે, તેમ ધર્મનો રાગી જીવ
વીતરાગપ્રતિમાના દર્શન ભક્તિથી કરે છે. રાગની દિશા બદલાવતાં પણ જેને ન આવડે
તે વીતરાગમાર્ગને કઈ રીતે સાધશે? જેને વહાલા પુત્ર–પુત્રીને ન દેખે તો એની માતાને
ચેન પડતું નથી, અથવા માતાને ન દેખે તો બાળકને ચેન પડતું નથી, તેમ ભગવાનના
દર્શન વગર ધર્માત્માને ચેન પડતું નથી. ‘અરેરે આજ મને પરમાત્માના દર્શન ન થયા;
આજે મે મારા ભગવાનને ન દીઠા, મારા વહાલા નાથના દર્શન આજે મને ન મળ્યા?”
આમ ધર્મીને ભગવાનના દર્શન વગર ચેન પડતું નથી. (ચેલણા રાણીને જેમ શ્રેણીકના
રાજમાં પહેલાં ચેન પડતું ન હતું તેમ.) અંતરમાં પોતાને ધર્મની લગની છે ને
પૂર્ણદશાની ભાવના છે એટલે પૂર્ણદશાને પામેલા ભગવાનને ભેટવા માટે ધર્મીના
અંતરમાં ખટક ગરી ગઈ છે; સાક્ષાત્ તીર્થંકરના વિયોગમાં તેમની વીતરાગપ્રતિમાને
પણ જિનવર સમાન જ સમજીને ભક્તિથી દર્શન પૂજન કરે છે, ને વીતરાગના
બહુમાનથી એવી ભક્તિ સ્તુતિ કરે કે જોનારનાય રોમરોમ ઉલ્લસી જાય. આ રીતે
જિનેન્દ્ર દેવના દર્શન, મુનિવરોની સેવા, શાસ્ત્રસ્વાધ્યાય, દાન વગેરેમાં શ્રાવક પ્રતિદિન
વર્તે છે.
અહીં તો મુનિરાજ કહે છે કે શક્તિ હોવા છતાં રોજ રોજ જે જિનદેવના દર્શન
નથી કરતો તે શ્રાવક જ નથી; તે તો પત્થરની નૌકામાં બેસીને ભવસાગરમાં ડૂબે છે. તો
પછી વીતરાગપ્રતિમાના દર્શન–પૂજનનો જે નિષેધ કરે એની તો વાત શી કરવી?–એમાં
તો જિનમાર્ગની ઘણી વિરાધના છે, અરે સર્વજ્ઞને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી ગઈ તેવી
પરમાત્મદશાનો જેને પ્રેમ હોય, તેને તેના દર્શનનો ઉલ્લાસ આવ્યા વગર કેમ રહે? એ
તો પ્રતિદિન ભગવાનના દર્શન કરીને પોતાની પરમાત્મદશારૂપ ધ્યેયને રોજરોજ તાજું
કરે છે.