Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 40

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
એકકોર પ્રતિષ્ઠા મહોત્સવમાં પંચકલ્યાણકનાં દ્રશ્યો રચાતા હતા, તો બીજી કોર
ગુરુદેવ પ્રવચનમાં પણ કલ્યાણક પ્રસંગોનું રોમાંચકારી વર્ણન કરતા હતા. તીર્થંકરના
જન્મ કલ્યાણક વખતે ઈન્દ્ર આવે માતાની સ્તુતિ કરે છે તેનું વર્ણન કરતાં ગુરુદેવે કહ્યું–
હે માતા! તે જગતને દીવો દીધો....હે જગતદીપકની દાતાર, માતા! તેં અમને
જગતપ્રકાશક દીવો આપ્યો. હે લોકની માતા! તેં અમને જગતનો નાથ આપ્યો. તું
તીર્થંકરભગવાનની જનેતા છે.
જે દિવસે ભગવાનનો જન્મ કલ્યાણક થયો તે દિવસના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–
હમણાં તો ભગવાન પધારે છે એટલે આઠેય દિવસ ભગવાનને ભાવવા છે કોઈ પૂછે કે
ભગવાનને ભાવવાથી શું થવાનું? તો કહે છે કે ભગવાનને ભાવવાથી ભગવાન
થવાના!
જેને જેનો રંગ લાગે તેનું ત્યાં વલણ વળે. સૂતા ને જાગતાં જેને સર્વજ્ઞ
ભગવાનનો રંગ લાગ્યો અને મારો આત્મા ભગવાન જેવો એવું ભાન થયું તેનું વલણ
આત્મા તરફ વળીને તે ભગવાન થયા વિના રહે નહિ. અહો, અંદર વિચારો કે ‘હું ક્્યાં
ઊભો છું!’ જૈન વાડામાં જન્મીને પણ કદી ભગવાનની ભક્તિના પાના ચડયા
નહિ....રંગ લાગ્યા નહિ તો તે અંદરના ભગવાન તરફ તો વળે ક્્યાંથી?
વીતરાગતાના પ્રેમીને વીતરાગ ભગવાનને ભેટતાં હોંશ આવે છે. ભગવાનના
ભક્ત ભગવાન પાસે જઈને કહે છે કે હે નાથ! હે પ્રભુ! આપની વીતરાગતાના પ્રેમથી
આપને મળવા આવ્યો છું....પ્રભુ! મારા અંતરમાં તારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે તે બીજા શું
જાણશે? નાથ! આપ જાણો ને હું જાણું! હે નાથ! તારી વીતરાગી મુદ્રા નીહાળતાં
અંદરથી એવો આહ્લાદ આવી જાય છે કે જાણે હમણાં અંદરથી પ્રભુતા પ્રગટી....કે
પ્રગટશે? હે નાથ! તને ભાળતાં હું મારી પ્રભુતાને જ ભાળું છું....મારા જ્ઞાનને જ ભાળું
છું. જુઓ! આ ભક્તિના ટાણાં આવ્યા છે....આવા મોંઘા દિવસો બહુ ઓછા આવે છે.
સંસારની પ્રીતિ ઘટાડીને વીતરાગ ભગવાનની ઓળખાણ કરીને તેમના ગાણાં પાત્ર
જીવો ગાય છે....તેમાં તેમની રુચિ તો ભગવાન જેવા પોતાના શુદ્ધ આત્મસ્વભાવ ઉપર
જ પોષાય છે.
ભરતક્ષેત્રે ભગવાનનો વિરહ અને છતાં ભગવાનના માર્ગની નિઃશંકતા એ
બંનેની મિશ્ર લાગણીથી પ્રવચનમાં એકાવન વર્ષની વયના ગુરુદેવ કહે છે કે–હે નાથ!
તીર્થંકરના વિરહે ભરતક્ષેત્રમાં જુદા જુદા અભિપ્રાય થઈ પડ્યા. પરંતુ હે પ્રભુ! આપના
પ્રતાપે અમારા નીવેડા આવી ગયા....પાર આવી ગયો. આપના પ્રતાપે બધા નીવેડા
અને સમાધાન આવી ગયા પણ જગતને કેમ સમજાય! કોઈ મહા ભાગ્યવાન જીવો
સમજીને કલ્યાણ પામી જાય છે.