Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 40

background image
(સંપાદકીય)
અહો...સીમંધર ભગવાન! આપની સર્વજ્ઞતા...આપનો અતીન્દ્રિય આનંદ અને
સાથે સાથે આપની દિવ્યવાણી એ બધાને લક્ષગત કરીને આપશ્રીને પરમ ભક્તિથી
નમસ્કાર કરીએ છીએ.
પ્રભો, આજે અમારે આનંદનો દિવસ છે...સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજે આપ
અમારી નગરીમાં પધાર્યા ને આ નગરી સુવર્ણની બની ગઈ...આપશ્રીની પધરામણીને
આજે પચીસ વર્ષ થયા.. આપશ્રી પધાર્યા ત્યારે અમારા હર્ષાનંદ ઉલ્લાસનો પાર ન
હતો; ને પચીસ વર્ષમાં તો આપની મંગલ છાયામાં અનેક ધર્મવૃદ્ધિનાં પ્રસંગો બન્યા.
પ્રભો, આપના વિદેહમાંથી અહીં આવેલા આપના ભક્તોએ અમને આપનો
વીતરાગ માર્ગ દેખાડયો...આપના એ ભક્તોએ ભરતક્ષેત્રમાં પણ જાતિસ્મરણ વડે આપનો
સાક્ષાત્કાર કર્યો...ને આપની મધુરી વાણીમાં આવેલા અનેકવિધ મંગલ સંભારણાં તાજા
થતાં અહીં આનંદ–આનંદ છવાઈ ગયો. પ્રભો! આપ આવ્યા ને બીજે જ વર્ષે આપનાં
સમવસરણ આવ્યા, કુંદકુંદ પ્રભુને પણ આપ સાથે જ લાવ્યા..પછી તો માનસ્તંભ પણ
આવ્યા..ને હજારો ભક્તો આપના ચરણ સેવવા આવતાં તેર વર્ષે મંદિર ટૂંકું પડ્યું...તેથી
મોટું વિશાળ–ઊંચું મંદિર બંધાયું...પ્રભો! અમારા મહાભાગ્યે આપ સદા અમારી નજર
સમક્ષ બિરાજી રહ્યા છો ને મંગલ કૃપાદ્રષ્ટિથી અમારું કલ્યાણ કરી રહ્યા છો. અહો, આપની
સર્વજ્ઞતા, આપની વીતરાગતા, આપનો પૂર્ણાનંદ, આપનો સ્વાશ્રિત માર્ગ, આપનો આ
બધો અચિંત્ય આત્મવૈભવ આપના ભક્ત કહાન અમને અહીં ઓળખાવી રહ્યા છે...ને
આપના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી રહ્યા છે. પ્રભો! અમે તો આપની પાસે વિદેહમાં નથી
આવી શકતા પણ આપ વિદેહથી કૃપા કરીને અહીં પધાર્યા છો તેથી અમારે તો જાણે અહીં
જ વિદેહક્ષેત્ર આવ્યું હોય, ને અમે વિદેહના માનવીઓની વચ્ચે જ વસતા હોઈએ...એમ
આત્મા ઉલ્લસે છે. આપના ભક્તોના શ્રીમુખથી રોજરોજ આપની વાણીનો સંદેશ
સાંભળીએ છીએ...એ સાંભળતાં આપના પ્રત્યે પરમ ભક્તિ જાગે છે.
પ્રભો! આપને સર્વજ્ઞસ્વરૂપે જ્યાં લક્ષમાં લઈએ છીએ ત્યાં તો અમારો આત્મા
જ્ઞાનમય બની જાય છે...રાગ સાથેનો સંબંધ તૂટી જાય છે ને સર્વજ્ઞસ્વભાવ સાથે સંધિ
થાય છે...આપના ચિંતનથી આનંદની ધારા ઉલ્લસે છે.
હે પરમ ઉપકારી દેવ! આપના ચરણોમાં ફરીફરીને નમસ્કાર હો.