Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 53

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
થતી નથી; એટલે શરીરની હીનાધિકતાથી તે પોતાની હીનાધિકતા માનતો નથી,
શરીરમાં રોગ–નિરોગથી તે પોતાને રોગી–નિરોગી માનતો નથી, શરીરના છેદન–
ભેદનથી તે પોતાનું છેદન–ભેદન માનતો નથી, શરીરના નાશથી તે આત્માનો નાશ
માનતો નથી; એ તો ભિન્ન આત્માને ધ્યેય બનાવે છે. હું તો જ્ઞાન છું, હું તો આનંદ છું–
એમ નિજસ્વરૂપને તે ધ્યાનમાં ઉપાદેય કરે છે, એ સિવાયના પરભાવને અંશમાત્ર
પોતામાં ગ્રહતા નથી.
જુઓ, કોઈ મુનિ હોય, શરીરને સિંહ–વાઘ આવીને તોડતા હોય, કટકા કરીને
ખાતા હોય, ને તે વખતે મુનિ તો અંતરમાં શુદ્ધાત્માને ધ્યેય બનાવીને અંતરમાં લીન થાય
ને એવી ધારા ઊપડી જાય કે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન લ્યે, જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં
શરીર પણ સરખું થઈ જાય, ને ઉત્તમ–પરમ ઔદારિક શરીર બની જાય. એવો મેળ છે,
છતાં તે શરીર પણ એમનું નથી. એ શરીર પણ નાશવંત છે, પણ તે શરીરના નાશથી
આત્માનો નાશ થતો નથી. આત્મા તો શરીરરહિત સિદ્ધપણે સાદિઅનંત બિરાજે છે.
અત્યારે સંસાર અવસ્થા વખતેય આત્મા શરીર રહિત જ છે. શરીરરૂપે આત્મા
કદી થયો નથી. અંદર અમૃતનો સમુદ્ર ભરેલો છે; એ તો જ્ઞાનશરીરી છે, જ્ઞાન જ એનો
દેહ છે. અસંખ્યપ્રદેશ જ્ઞાન–આનંદમય છે, આવા આત્માને ધર્મી ધ્યેય બનાવે છે; ત્યાં
શરીરમાં છેદન–ભેદન થાય તેનો ભય તેને રહેતો નથી, એટલે અભિપ્રાયમાં એને એમ
નથી થતું કે આ શરીર છેદાતાં મારો આત્મા છેદાઈ ગયો! કે આ શરીર ભેદાતાં મારૂં
જ્ઞાન ભેદાઈ ગયું! હું જ્ઞાન છું ને જગતના બધા આત્મા જ્ઞાન છે; એટલે બીજા જીવોને
પણ તે સંયોગવડે નાના–મોટા કલ્પતો નથી. અજ્ઞાની પોતે સંયોગથી પોતાની મોટાઈ
માને છે ને પોતાની એવા દ્રષ્ટિને લીધે બીજા જીવોનું માપ પણ સંયોગ ઉપરથી દેખે છે.
ભાઈ, આત્મામાં સંયોગ નથી ને એ સંયોગોમાં આત્મા નથી. આત્મા અનંત ગુણનો
પિંડ, એના ગુણની શુદ્ધતાની જેને વૃદ્ધિ થઈ તે મોટો, ને તે શુદ્ધતાની જેટલી ઓછાપ
એટલો નાનો; સંયોગ ઓછા માટે આત્મા નાનો કે સંયોગ વધુ માટે આત્મા મોટો–એમ
સંયોગથી આત્માનું માપ નથી. ને સ્વભાવથી તો બધા આત્મા જ્ઞાનાનંદે ભરપૂર
ભગવાન છે. સંયોગનું લક્ષ છોડીને આવા સ્વભાવમાં લક્ષને સ્થિર કર, તેના ધ્યાન વડે
પરમ આનંદ અનુભવાશે.
તું શરીરની દ્રષ્ટિ છોડીને આત્માની દ્રષ્ટિ કર તો તને પ્રતીત થશે કે શરીરના ટૂકડા
થતાં મારા ટૂકડા થતા નથી. તું ભય ન પામ કે શરીરનું છેદન થતાં હું છેદાઈ જઈશ?
અસંખ્ય પ્રદેશી અખંડ આત્માના એક પ્રદેશને પણ કોઈ તોડી શકે નહીં; તેમજ અનંત
ગુણના પિંડમાંથી એક્કેય ગુણને કોઈ ભેદીને જુદો પાડી શકે નહીં. આવો જ્ઞાનાનંદ