: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક : ૧૬)
(૨૨૧) ભેદજ્ઞાન
જેમ સ્વદ્રવ્યમાં એકાગ્રતાથી મારી નિર્મળપર્યાય ખીલે છે, તેમ રાગમાં
એકાગ્રતાથી મારી નિર્મળપર્યાય ખીલતી નથી, માટે સ્વદ્રવ્ય અને રાગ બંને ચીજ જુદી–
જુદી છે.
સ્વદ્રવ્યમાં ઉપયોગથી જે આનંદવેદન થાય છે, રાગમાં ઉપયોગથી તે આનંદવેદન
થતું નથી, માટે મારું સ્વદ્રવ્ય જ આનંદનું ધામ છે. આવા સ્વસંવેદનમય ભેદજ્ઞાન ધર્મીને
હોય છે.
(૨૨૨) ચૈતન્યનું ઘોલન
ચૈતન્યનું પરમ શાંત પરિણામથી ઘોલન તે જ કષાયોને જીતવાનો ઉપાય છે.
ચૈતન્યના ઘોલનમાં કષાયની ઉદ્ભૂતિ ક્્યાંથી થાય? ત્યાં તો પરિણામ શાંત–
શાંત જ થતા જાય.
કષાયોનો આવેશ ત્યાં ચૈતન્યનું ઘોલન નહિ, ચૈતન્યરસનું ઘોલન ત્યાં કષાયોનો
આવેશ નહિ.
(૨૨૩) આનું નામ જ્ઞાન!
સ્વભાવ અને રાગની સંધીને તોડનારૂં જ્ઞાન ઘણું જ સૂક્ષ્મ છે–રાગની સ્થૂળતાથી
પાર, તીખું છે. તે જ્ઞાન પોતાની અતિ ઉગ્ર તાકાતથી અત્યંત ઊંડો ઘા કરીને સર્વ
વિભાવોને ભેદીને જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશી જાય છે; જ્ઞાનમાં તન્મયપણે તે સ્વયં પરમ
આનંદરૂપ બની જાય છે. આનું નામ જ્ઞાન.....ને આનું નામ પુરુષાર્થ!
(૨૨૪) જેવું દ્રવ્ય....તેવી પર્યાય
જેમ દ્રવ્યનો મહિમા જ્ઞાન–આનંદસ્વરૂપ ભાવથી છે, રાગથી તેનો મહિમા નથી,
તેમ પર્યાયનો મહિમા પણ જ્ઞાન આનંદસ્વભાવથી છે, રાગથી તેનો મહિમા નથી.
જે પર્યાય રાગના મહિમામાં અટકશે તે પર્યાય જ્ઞાનઆનંદરૂપ નહિ થઈ શકે.
જ્ઞાનઆનંદરૂપ થયેલી પર્યાય રાગથી જુદી છે. સ્વભાવના મહિમા તરફ જે
પર્યાય વળશે તે જ્ઞાનઆનંદરૂપ થશે.