Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 53

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
(૨૨પ) શ્રદ્ધાકી બાત
દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે?
હા, પણ તે દેવગુરુશાસ્ત્ર રાગવાળા છે કે રાગવગરના? દેવ તો સર્વજ્ઞ વીતરાગ
છે, ગુરુ એના સાધક છે, ને શાસ્ત્રો પણ એજ બતાવે છે, એટલે ત્રણે રાગવગરના છે.
બસ, આવા રાગવગરના દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો રાગવગરના ભાવથી જ થઈ શકે.
રાગમાં અટકેલા ભાવે કાંઈ રાગવગરના દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા ન થઈ શકે. માટે રાગથી
જુદો પડીને જ્ઞાનભાવમાં આવે તેને જ વીતરાગી દેવગુરુ શાસ્ત્રની સાચી પ્રતીત થાય
છે. રાગમાં ઊભો રહીને દેવગુરુશાસ્ત્રની સાચી પ્રતીત થતી નથી. આ રીતે નિશ્ચય શ્રદ્ધા
અને વ્યવહારશ્રદ્ધા બંને એક સાથે સમજવી.
(૨૨૬) એકત્વના નિજવૈભવને ભોગવ
અરે પરિણતિ વિકાર સાથે તું એકતા કરવા જાશ ત્યાં સ્વભાવ સાથે તારે
ભિન્નતા પડે છે!
જો સ્વભાવ સાથે એકતા કરવી હોય તો વિકાર સાથેની એકતાને તોડ.
જ્ઞાનને અને રાગને એકતા થઈ નથી, જુદાઈ જ છે, આવી ભિન્નતા જાણીને
જ્ઞાનની એકતા જ્ઞાન સાથે કર. એ રીતે એકત્વ–વિભક્ત થઈને તારા નિજવૈભવને
આનંદસહિત ભોગવ.
(૨૨૭) છૂટકારોનો ઉલ્લાસ
અરે જીવ! છૂટકારાના ટાણે પશુઓ પણ થનગની ઊઠે છે, અને તને અનાદિના
ભવબંધનથી છૂટકારાનો આ અવસર આવ્યો તે ટાણે તારો આત્મા થનગની ન ઊઠે–
એમ કેમ બને? તને બંધની વાતનો (પુણ્ય–પાપની વાતનો) ઉત્સવ આવે ને બંધનથી
છૂટીને મોક્ષની વાતનો ઉત્સાહ ન આવે–તો તને શું થયું? પશુ જેવોય તું ન થયો! ભાઈ
મોક્ષનો ઉપાય સંતો તને સંભળાવે છે, અનાદિના બંધનથી છૂટવાની રીત સંતો તને
બતાવે છે, તો તેમાં ઉત્સાહ કર....મોક્ષમાં મહાન સુખ છે એમ જાણીને તું ઉલ્લસિત થા.
(૨૨૮) વૈરાગ્યનો મંત્ર
જે કોઈ પરિસ્થિતિથી તને દુઃખ લાગતું હોય તો વિચાર કે તે પરિસ્થિતિ અસ્થિર
છે, તે કાંઈ સદા રહેવાની નથી, અમુક કાળમાં તે પલટી જશે. માટે ખેદ છોડી, કોઈપણ
અસ્થિર પ્રસંગ સંબંધી હર્ષ–વિષાદ છોડી, સ્થિર ટકનાર એવો જે તારો ધુ્રવચિદાનંદ
સ્વભાવ તેનું શરણ લે. વૈરાગ્યરૂપી અમોઘ મંત્રવડે સંયોગ પ્રત્યે વિરક્ત થઈ સ્વભાવ
પ્રત્યે પરિણતિને ઝુકાવ.
કેમકે–
લક્ષ્મી શરીર સુખ–દુઃખ અથવા શત્રુ–મિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધુ્રવ, ધ્રુવ ઉપયોગ–આત્મક જીવ છે.