Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 53

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
અરે, સુખ તારા આત્મામાં...તેની સામે તું જોતો નથી;
ને પરની ચિન્તામાં દુખ છે.....ત્યાં તું દોડીને જાય છે. સન્તો કહે છે–ભાઈ, એ
પરની ચિન્તાથી તું પાછો વળ ને આનંદના ધામ એવા તારા આત્માને તું નિશ્ચિંતપણે
ચિંતવ.
આત્માના વખાણ સાંભળવા માત્રથી એનો સ્વાદ આવે નહિ, પણ પોતે
અંતરમાં એ આત્માને ધ્યાવે તો એનો સાક્ષાત્ સ્વાદ આવે.
જે પોતાનું છે તેને પોતાનું જાણતો નથી, ને જે પોતાનું નથી તેને પોતાનું કરવા
માંગે છે–તેથી જીવ દુઃખી થાય છે. સ્વતત્ત્વ શું ને એનો અપાર વૈભવ કેવો છે? એને
જાણે તો એનું ધ્યાન કરે ને ખોટું ધ્યાન છોડે.
પ્રશ્ન:– આત્માનું ધ્યાન કેમ થાય?
ઉત્તર:– તને પરનું ધ્યાન કરતાં તો આવડે છે! કેમકે ત્યાં પ્રેમ છે. સ્ત્રી પુત્ર–
પૈસા–વેપાર વગેરેનો પ્રેમ હોવાથી તેના વિચારમાં કેવો મશગુલ થઈ જાય છે? તો એ જ
રીતે આત્માનો પ્રેમ પ્રગટાવ તો આત્માના ચિન્તનમાં એકાગ્રતા થાય, એનું નામ ધ્યાન
છે. પરનો પ્રેમ છોડ ને આત્માનો પ્રેમ કર, તો આત્માનું ધ્યાન થયા વગર રહે નહિ.
કેમકે જેને જેનો પ્રેમ હોય તેની ચિંતામાં તે એકાગ્ર થાય છે. ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિનો
જેને ખરો રંગ લાગ્યો તે બીજી બધી ચિન્તા છોડીને નિશ્ચિંતપણે આત્મામાં ચિત્તને જોડે
છે, ને આત્માના ધ્યાનથી કોઈ અપૂર્વ સુખ તેને પ્રગટે છે. આ બધું પોતામાં ને પોતામાં
જ સમાય છે. આમાં પરની કોઈ ઉપાધિ નથી, પરની કોઈ ચિન્તા નથી. અહા, જેના
અવલોકનમાં અત્યંત સુખ છે એવો હું છું, એમ તું તારા આત્માને દેખ. જ્યાં પોતામાં જ
સુખ છે ત્યાં પરની ચિંતા શી? પરભાવથી ભિન્ન થઈને જેના એક ક્ષણના અવલોકનમાં
આવું સુખ એના પૂર્ણ સુખની શી વાત! એમ ધર્મીને આત્માનો કોઈ પરમ અચિન્ત્ય
મહિમા સ્ફૂરે છે...પોતામાં જ આનંદના દરિયા ઉલ્લસતા તે દેખે છે. આમ જાણીને હે
જીવ! તું પણ ધર્માત્માની જેમ નિશ્ચિંતપણે તારા આત્માને પરમ પ્રીતિથી ધ્યાવ....તને
પણ તારામાં એવું જ સુખ દેખાશે. એક ક્ષણ તો ધ્યાન કર...અરે, વર્તમાન અડધી ક્ષણ
તો કર.