Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 81

background image
વર્ષ ૨૩ અંક ૭ * વીર સં. ૨૪૯૨ વૈશાખ
વૈશાખ સુદ બીજ....આજે આપણા ગુરુદેવની જન્મજયંતિનો ઉત્તમ
દિવસ.....સોનગઢમાં અને ભારતભરના મુમુક્ષુઓમાં આજનો દિવસ આનંદથી ઉજવાઈ
રહ્યો છે. અહા, જે કહાનગુરુએ જિનમાર્ગનું રહસ્ય બતાવીને આપણને જૈન બનાવ્યા.
અરિહંતોનું અને સન્તોનું અધ્યાત્મજીવન કેવું હોય તે સમજાવીને આપણને
અધ્યાત્મજીવન જીવતાં શીખવ્યું, મોક્ષની સાધના આનંદમય છે–એમ દેખાડીને આપણને
દુઃખ ને કલેશના માર્ગેથી છોડાવ્યા. આત્માની આરાધના એ જ આ મનુષ્યજીવનનું
સાચું ધ્યેય છે એમ બતાવીને જીવનના ધ્યેય તરફ વારંવાર આપણને પ્રોત્સાહિત કર્યા,
જેમ કુંદકુંદાચાર્યદેવને તેમના પરાપરગુરુઓએ અનુગ્રહપૂર્વક શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ
આપ્યો હતો તેમ જેઓ અનુગ્રહપૂર્વક આપણને નિરંતર શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપી
રહ્યા છે ને અચિંત્યઆત્મવૈભવ દેખાડી રહ્યા છે, અને જેમનું ભૂત–ભવિષ્યનું જીવન
આપણને તીર્થંકર ભગવંતો પ્રત્યે પરમ ભક્તિ જગાડે છે–એવા આ ગુરુદેવનો
જન્મોત્સવ ઉજવતાં આત્મા ઉલ્લસિત થાય છે, અને એમની મંગલ ચરણછાયામાં
શુદ્ધાત્માની આરાધના પામીને જીવનને અતીન્દ્રિય આનંદથી ભરી દઈએ–એવી ઉર્મિઓ
સ્ફૂરે છે.
હે ગુરુદેવ! આપના જીવનની મહત્તા શુદ્ધાત્માની આરાધના વડે છે. આપના
જીવનની પ્રત્યેક પળનો ઉપયોગ શુદ્ધાત્માની આરાધનામાં જ આપ કરી રહ્યા છો, તો
અમે પણ આપની પાસેથી શુદ્ધાત્માની આરાધના શીખીને એ જીવનનો મહોત્સવ
ઊજવીએ એવા આર્શીવાદ આપના જન્મદિવસની ખુશાલીમાં આપ અમને
આપો........એમ પ્રાર્થીએ છીએ.