: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
* ગતિમાં જેવું ધર્માસ્તિકાય નિમિત્ત, તેવું જ સમ્યગ્જ્ઞાનમાં ગુરુ નિમિત્ત,–આમ
કહીને ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતા બતાવી છે. ભાઈ, સ્વત: અજ્ઞાની જીવને
બીજા કોઈ વડે જ્ઞાની કરી શકતો નથી, ને સ્વત; જ્ઞાની જીવને જગતમાં બીજો
કોઈ અજ્ઞાની કરી શકતો નથી, જીવ પોતે પોતાની યોગ્યતાનાબળથી જ જ્ઞાની કે
અજ્ઞાની થાય છે. તેમાં બીજા તો માત્ર તટસ્થ નિમિત્ત છે.
* પણ, જેમ ગતિવાન વસ્તુને ધર્માસ્તિકાય જ નિમિત્ત હોય, વિરુદ્ધ ન હોય, તેમ
મોક્ષસુખરૂપ પરિણમનારે જ્ઞાનીધર્માત્માગુરુ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન હોય,
તેવું જ નિમિત્ત તેને હોય, વિરુદ્ધ નિમિત્ત ન હોય. છતાં નિમિત્તની આધીનતા
નથી. જેમ ગતિ વખતે નિમિત્તરૂપે ધર્માસ્તિકાય હોય જ છે, કાંઈ તેને બોલાવવા
જવું નથી પડતું કે ‘મારે ગતિ કરવી છે માટે તું નિમિત્ત થવા આવ.’ તેમ
મોક્ષસુખનો અભિલાષી જીવ પોતાની યોગ્યતાવડે પ્રયત્નપૂર્વક જ્યારે
મોક્ષમાર્ગમાં ગમન કરે છે ત્યારે ધર્માત્માગુરુઓનો ઈષ્ટ ઉપદેશ તેને નિમિત્તરૂપે
હોય છે. પણ તેને શોધવા માટે રોકાવું નથી પડતું. ઉપાદાન–નિમિત્તની સંધિ
સહજપણે મળી જ જાય છે. માટે હે જીવ! તું જાગીને તારા સુખનો ઉદ્યમ કર,–
એવો ઈષ્ટ ઉપદેશ છે.
* પ્રશ્ન:– યોગ્યતાથી જ કાર્ય થાય છે ને બીજો તેમાં કાંઈ કરતો નથી તો શું
નિમિત્તનું નિરાકરણ થઈ ગયું? નિષેધ થઈ ગયો?
તેના ઉત્તરમાં કહે છે કે પ્રકૃત કાર્ય થવામાં વસ્તુની યોગ્યતા જ કાર્યકારી છે, ત્યાં
બીજા ગુરુ કે શત્રુ–તે તો બાહ્ય નિમિત્તમાત્ર છે; ધર્માસ્તિકાય જેમ ગતિમાં
ઉદાસીન નિમિત્ત છે, તેમ બીજા પદાર્થો માત્ર નિમિત્ત છે. આથી નિમિત્તનો
નિષેધ નથી થઈ જતો, પણ વસ્તુસ્થિતિ જેમ છે તેમ રહે છે. નિમિત્તપણે નિમિત્ત
હોવા છતાં પ્રકૃત કાર્યમાં (–હિત, અહિત વગેરેમાં) તે ધર્માસ્તિકાયવત્
અકિંચિત્કર છે. જેમ ગતિમાં ધર્માસ્તિકાય નિમિત્ત હોવા છતાં તે અકિંચિત્કર છે,
તેમ બધાય નિમિત્તો અકિંચિત્કર છે. હિતમાં ગુરુ નિમિત્ત, કે અહિતમાં શત્રુ
નિમિત્ત, તે બંને નિમિત્તો અકિંચિત્કર છે, જીવોને હિત–અહિતરૂપ પ્રવૃત્તિ
પોતાની જ યોગ્યતાના બળે થાય છે. આવી સ્વતંત્રતાનો ઉપદેશ તે જ ઈષ્ટ
ઉપદેશ છે; હિત અહિતમાં જીવની પરાધીનતા બતાવે તો તે ઉપદેશ ઈષ્ટ નથી,
સત્ય નથી, હિતકર નથી.
(ઈષ્ટોપદેશ ગા. ૩૪–૩પ)