Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૫ :
સભ્યો છે, તેમની મદદ લઈને તમારો નંબર શોધી લીધો હોત તો?
‘આત્મધર્મ બાલવિભાગમાં ઘણું સરસ પ્રેરણાદાયી લખાણ છે; હું ઘણાં રસપૂર્વક
વાંચું છું ને નવી પ્રેરણા લઉં છું.”–પ્રવીણચંદ્ર જૈન (૪૪પ) અમદાવાદ.
એક ભાઈ લખે છે–બાલવિભાગમાં મોટા માણસોને પણ રસ લેવાનું મન થઈ
જાય છે; ગુરુદેવ સોનગઢમાં ભવકટીની વાત સંભળાવે છે.–પોતાને પોતાનો આત્મા
વહાલો લાગ્યો હોય તેને આ વાત સાંભળતાં ઉલ્લાસ આવે. બાકી સંસાર કેવો
ક્ષણભંગુર છે તેનો દાખલો આપતાં અમદાવાદના તે ભાઈ લખે છે કે–અહીં અમારી
પોળમાં પાડોશના એક પૈસાદાર ભાઈનો ૨૪ વર્ષનો યુવાન દીકરો, પાંચ હજાર રૂા
ખર્ચવા છતાં એપેન્ડીસાઈટના ઓપરેશનમાં ગુજરી ગયો; તેણે બી. એ. ની પરીક્ષા
આપેલી. ઘરની અગાશીમાં પતંગ ઉડાડવા માટે તેના પિતાએ ખાસ ધાબું બંધાવેલું, પણ
તે કામ અધૂરું રહ્યું ને જેને પંતગ ઉડાડવા માટે તે બંધાતું હતું તે જીવ બીજે ઊડી ગયો.
પાછળથી બી. એ ની પરીક્ષાનું તેનું પરિણામ પાસ થયાનું આવ્યું.–પણ તે શું કામનું?
અરે કેવો વૈરાગ્ય પ્રસંગ!! એકના એક યુવાન પુત્રના વિયોગે જે દુઃખ લાગે છે તેવું
(તેથી પણ વધુ) દુઃખ આત્માના વિરહનું લાગે, ત્યારે જીવને આત્મપ્રાપ્તિની ધગશ
જાગે ને તે જીવ સર્વ ઉદ્યમથી આત્મપ્રાપ્તિ કરે જ.
રાજેન્દ્ર જૈન (નં. ૩૮૯) ચોટીલાથી પૂછે છે:–
પ્રશ્ન:– પરવસ્તુ ઉપરનું ગાઢ વલણ ને અનાદિનું અજ્ઞાન તોડવા એકલું વાંચન,
વ્યાખ્યાન સાંભળવું ને જિનપ્રભુનું દર્શન કરવું એટલું જ બસ છે કે બીજો પુરુષાર્થ છે?
ઉત્તર:– યથાર્થ આત્મજિજ્ઞાસાપૂર્વક શાસ્ત્રવાંચનમાં તેનું હાર્દ સમજવામાં આવે,
વ્યાખ્યાન સાંભળતાં તેમાં સન્તો જે શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવે છે તે લક્ષગત કરવામાં આવે
(અને એમ કરે તો જ સાચું સાંભળ્‌યું કહેવાય), તથા જિન પ્રભુનાં દર્શન કરતાં તેમના
સ્વરૂપની સાચી ઓળખાણ કરે તો જરૂર પર તરફનું વલણ છૂટીને સ્વતરફનું વલણ
થાય ને અનાદિનું અજ્ઞાન તૂટી પડે. (અહીં કહી તેવી ઓળખાણ સ્વ તરફના અપૂર્વ
પ્રયત્ન વડે થાય છે, પર તરફના વિકલ્પ વડે તે થતી નથી.)
હર્ષાબેન પોરબંદર (નં. પ૮૦) પૂછે છે કે ‘આત્મા કેમ દેખાતો નથી?’ એને
જોવાની ખરી તમન્ના જાગતી નથી માટે! બેન તમને આત્માને જોવાની જિજ્ઞાસાનો પ્રશ્ન
ઊઠ્યો તે બહુ સારૂં છે. જિજ્ઞાસાથી આગળ વધતાં વધતાં જરૂર આત્મા દેખાશે. તમે
આત્મસિદ્ધિની ગાથા મોઢે કરો છો તથા આત્મધર્મ વાચો છો તે બહુ સારી વાત છે.
સભ્ય નં. ૧૦પ ને માલુમ થાય કે, ધર્માત્માઓ પ્રત્યે તમને બહુમાન છે તે
પ્રશંસનીય છે..... પરંતુ વ્યક્તિગત પ્રશ્નો આપણે લેતા નથી. ‘દર્શન કથા’ માટે
અનેકવાર સૂચનાઓ છાપી, છતાં તમે રહી રહીને કેમ જાગ્યા! (પુસ્તક મોકલ્યું છે.)