ATMADHARM Regd. No. 182
• જ્ઞાનીનું હૃદય બોલે છે–
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધચૈતન્યસ્વરૂપ,
પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું
છું. ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી
અવસ્થા શી? શુદ્ધશુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર
નિર્વિકલ્પ છું. નિજસ્વરૂપ ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિ:
શાંતિ: શાંતિ:”
(સમયસારનું મંથન કરતાં જાગેલી ધૂન શ્રીમદ્રાજચંદ્રજીએ આ
લખાણમાં ઉતારી છે, એમ આગળ પાછળનું લખાણ જોતાં ખ્યાલ
આવે છે.)
• દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો
સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે
તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધસ્પૃષ્ટ આત્મા
જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.
• હે જીવ! સ્થિરદ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી
મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમપ્રસિદ્ધ અનુભવાશે.
• સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજસ્વભાવના ભાન
સહિત, અવધૂતવત, વિદેહીવત, જિનકલ્પિવત વિચરતા પુરુષ–
ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
• દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમજ્યોતિસ્વરૂપ એવો આ આત્મા
તેમાં નિમગ્ન થાઓ.
હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો
અનંત અપાર આનંદ અનુભવાશે.
– શ્રીમદ્રાજચંદ્ર